‘મોદીને સ્પષ્ટ સંદેશ છે કે લોકો એમનાથી નારાજ છે’: રાહુલ ગાંધી

નવી દિલ્હી – ત્રણ રાજ્યો – રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત અને ઉત્તમ દેખાવ માટે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકર્તાઓ તથા મતદારોનો આભાર માન્યો છે. આજે અહીં બોલાવેલી પત્રકાર પરિષદમાં ગાંધીએ કહ્યું કે આ ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ મોદી સરકારની નીતિઓ વિશે સવાલો ઊભા કર્યા છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, દેશમાં હવે એવી મજબૂત લાગણી ફેલાયેલી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને આપેલા ચૂંટણી વચનોનું પાલન કર્યું નથી.

રાહુલે કહ્યું કે ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામ વડા પ્રધાન મોદી માટે સ્પષ્ટ સંદેશ છે કે જનતા નોટબંધી સહિતના નિર્ણયોથી તેમજ કિસાનો તથા દેશના યુવાવ્યક્તિઓ સંબંધિત નિર્ણયોથી નારાજ છે.

‘પરિવર્તન માટેનો સમય આવી ગયો છે. અમે આ ત્રણ રાજ્યોને સર્વાંગીણ વિકાસના દ્રષ્ટિકોણ સાથે સરકાર પૂરી પાડીશું. ભાજપની વિચારસરણી અમારાથી અલગ છે. અમે એમને આ વખતે હરાવ્યા છે અને 2019ની ચૂંટણીમાં પણ હરાવીશું, પણ અમે ભારત દેશને કોઈનાથી મુક્ત કરાવવા માગતા નથી.’

મોદી સરકારમાં ખૂબ ભ્રષ્ટાચાર છે એવું કહીને રાહુલે કહ્યું કે નોટબંધી નિર્ણય એક કૌભાંડ હતો. રફેલ હેલિકોપ્ટર સોદો પણ એક કૌભાંડ હતો. નોટબંધી સહિતના અમુક નિર્ણયોને ગેરવહીવટ તરીકે ઓળખાવીને રાહુલે કહ્યું કે એનાથી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચ્યું છે. વડા પ્રધાન મોદી પોતે જ ભ્રષ્ટ છે એવું જનતા માને છે એટલે જ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે.

ઉલ્લેખનીય છે કે, બરાબર એક વર્ષ પહેલાં આજની જ તારીખે રાહુલ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આમ, જનતા તરફથી રાહુલને ત્રણ રાજ્યમાં ચૂંટણી-જીતની શાનદાર, યાદગાર ગિફ્ટ મળી છે.