છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસનો વિજય, મ.પ્ર.માં સૌથી મોટો પક્ષ; તેલંગાણામાં TRS, મિઝોરમમાં MNF વિજયી

નવી દિલ્હી – મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણીમાં રોમાંચક પરિણામો આવ્યા છે. છત્તીસગઢમાં, કોંગ્રેસ સત્તા પર પાછી ફરી છે તો રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી કરતાં સરસાઈમાં છે. બહુમતીનો આંક એણે પ્રાપ્ત કરી લીધો છે. મધ્ય પ્રદેશમાં શાસક ભાજપ સાથે કોંગ્રેસની રસાકસી જામી છે, પરંતુ તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થઈ ગયો છે.

આવતા વર્ષની લોકસભા ચૂંટણી પૂર્વેની આ પાંચ-રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ, બંને માટે ખૂબ મહત્ત્વની છે.

છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીતને પગલે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય ખાતે તેમજ બંને રાજ્યમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં કોંગ્રેસના કાર્યાલય તથા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત તેમજ રાજ્યના કોંગ્રેસ પ્રમુખ સચીન પાઈલટના નિવાસસ્થાનોની બહાર ફટાકડા ફૂટ્યા છે.

છત્તીસગઢઃ એક્ઝિટ પોલના તારણ સાચા પડ્યા

રમનસિંહની સત્તા ગઈ

છત્તીસગઢની વાત કરીએ તો, મતદાન બાદના એક્ઝિટ પોલ સાચા પડ્યા છે. ત્યાં ભાજપને સત્તા પરથી દૂર કરવામાં કોંગ્રેસ સફળ રહી છે. એ સાથે રાજ્યમાં ભાજપનું 15-વર્ષનું શાસન સમાપ્ત થયું છે.

છત્તીસગઢની 90 બેઠકોમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ 68 બેઠક જીતી લીધી છે. 2013ની ચૂંટણીમાં એને માત્ર 39 બેઠક મળી હતી. આમ, એને 26 બેઠકોનો ફાયદો થયો છે.

શાસક ભાજપ આ વખતે માત્ર 15 બેઠક જીત્યું છે. 2013ની ચૂંટણીમાં એને 49 બેઠક મળી હતી. આમ એને 33 બેઠકનું નુકસાન થયું છે. સત્તા હાંસલ કરવા માટે અહીં કોઈ પણ પક્ષે ઓછામાં ઓછી 46 બેઠક જીતવી પડે. આમ, કોંગ્રેસ માટે અહીં સત્તા મેળવવાં કોઈ તકલીફ નથી. બહુજન સમાજ પાર્ટી તથા સહયોગી પક્ષોએ 7 બેઠક કબજે કરી છે.

રમનસિંહે છત્તીસગઢના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે તે સ્વીકારી લીધું છે. રમનસિંહ 15 વર્ષથી રાજ્યમાં સત્તા પર હતા.

રાજસ્થાનમાં ભાજપને જબ્બર નુકસાન

વસુંધરા રાજેએ મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો

રાજસ્થાનમાં, એક્ઝિટ પોલથી વિપરીત જનાદેશ આવ્યો છે.

અહીં 199 બેઠકોમાંથી શાસક ભાજપને 73 બેઠક મળી છે. 2013ની ચૂંટણીમાં એણે 152 બેઠક જીતી હતી. આમ, એને 89 બેઠકોનું નુકસાન ગયું છે. જ્યારે કોંગ્રેસે આ વખતે 101 બેઠક કબજે કરી છે. 2013ની ચૂંટણીમાં એને માત્ર 21 બેઠક મળી હતી. આમ એને 80 બેઠકોનો ફાયદો થયો છે.

સત્તા હાંસલ કરવા માટે અહીં કોઈ પણ પક્ષે ઓછામાં ઓછી 100 બેઠક જીતવી પડે. આમ, આ રાજ્યમાં પણ કોંગ્રેસ માટે સત્તા હાંસલ કરવાનું મુશ્કેલ નથી. બહુજન સમાજ પાર્ટીને અહીં 6 બેઠક મળી છે જ્યારે અન્યોના કબજામાં 19 બેઠક આવી છે.

મધ્ય પ્રદેશમાં રહસ્ય અકબંધ

230 બેઠકોની મધ્ય પ્રદેશ ચૂંટણીમાં બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં 227 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા હતા. કોંગ્રેસે શાસક ભાજપને જોરદાર લડત આપી છે. કોંગ્રેસે 112 બેઠક કબજે કરી છે જ્યારે ભાજપના ઉમેદવારો 108માં જીત્યા છે. 2013ની ચૂંટણીમાં ભાજપને 165 બેઠક મળી હતી. આમ, એને 54 બેઠકોનું નુકસાન ગયું છે.

કોંગ્રેસે ગઈ વેળાની ચૂંટણીમાં 58 બેઠક જીતી હતી. આ વખતે એને 51 બેઠકોનો ફાયદો થયો છે.

સત્તા હાંસલ કરવા માટે આ રાજ્યમાં કોઈ પણ પક્ષે ઓછામાં ઓછી 116 બેઠક જીતવી પડે. કોંગ્રેસને 4 બેઠક ઓછી પડે છે જ્યારે ભાજપને 8 બેઠકનું ગાબડું છે. અહીં બહુજન સમાજ પાર્ટી પાસે બે બેઠક છે જ્યારે અન્ય ઉમેદવારો 6 બેઠકો પર જીત્યા છે.

તેલંગાણામાં ટીઆરએસને ફરી સત્તા મળી

કે. ચંદ્રશેખર રાવના નેતૃત્ત્વ હેઠળની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીમાં મતદારોએ ફરી વિશ્વાસ બતાવ્યો છે અને એને સ્પષ્ટ બહુમતી આપી દીધી છે.

119 બેઠકોવાળી આ વિધાનસભામાં ટીઆરએસ પાર્ટીએ 88 બેઠક જીતી છે. કોંગ્રેસને 21 અને ભાજપને માત્ર 1 બેઠક મળી છે. ઓવૈસીના વડપણ હેઠળની એમઆઈએમ પાર્ટીને 6, ટીડીપીને બે બેઠક મળીને અન્યોએ કુલ 9 બેઠક કબજે કરી છે.

કોંગ્રેસે મિઝોરમ ગુમાવ્યું; MNF વડા ઝોરમથાંગાએ મિઝોરમમાં સરકાર રચવાનો દાવો કર્યો

(ડાબે) MNFના વડા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઝોરમથાંગા. (જમણે) કોંગ્રેસના હારેલા મુખ્ય પ્રધાન લાલ થાનવલા

મિઝોરમ રાજ્યમાં, કોંગ્રેસને મોટો પરાજય ખમવો પડ્યો છે. આ રાજ્યમાં 40 બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં, મિઝોરમ નેશનલ ફ્રન્ટ (MNF) પાર્ટીએ 26 બેઠકો જીતીને સત્તા હાંસલ કરી છે. 2013ની ચૂંટણીમાં તેને માત્ર પાંચ સીટ મળી હતી, આમ, એણે આ વખતે 21 સીટનો ફાયદો મેળવ્યો છે. સત્તા હાંસલ કરવા માટે ટાર્ગેટ છે 21 બેઠક.

કોંગ્રેસે માત્ર પાંચ બેઠક મળી છે. 2013ની ચૂંટણીમાં એ 34 સીટ જીતીને સત્તા પર આવી હતી. આમ, એને 29 સીટનો ફટકો પડ્યો છે. ભાજપને એક તથા અન્ય પક્ષોને 8 બેઠક મળી છે.

ઐઝવાલમાં, MNFના વડા ઝોરમથાંગા આજે ચૂંટણી પરિણામ આવી ગયા બાદ રાજ્યના ગવર્નર કે. રાજશેખરને મળ્યા હતા અને પોતાની સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યમાં એક દાયકા બાદ MNF પાર્ટી ફરી પોતાની સરકાર બનાવશે.

દરમિયાન, પાર્ટીના ઉમેદવાર લાલચંદામા રાલ્તે તુઈવાવલ બેઠક પરથી માત્ર 3 મતના માર્જિનથી વિજયી થયા છે. એમણે કોંગ્રેસના હરીફને પરાજય આપ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર અને મિઝોરમના મુખ્ય પ્રધાન લાલ થાનવલા બે મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા, પણ બંને પરથી હારી ગયા છે. ચમ્ફાઈ સાઉથ બેઠક પર એમનો MNFના ઉમેદવાર સામે અને સર્ચિફ બેઠક પર ZPM પાર્ટીના ઉમેદવાર સામે પરાજય થયો છે.

httpss://twitter.com/KirenRijiju/status/1072520317791285249

પાંચેય રાજ્યોમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો આરંભ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલાં ટપાલમાં આવેલા મતોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારપછી સાડા આઠ વાગ્યે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના કન્ટ્રોલ યુનિટથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

  • નવી દિલ્હી કોંગ્રેસ કાર્યાલય પર ફટાકડાં ફોડતાં કાર્યકરો
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]