મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 288 સીટો પર મતદાન હજી ગઈ કાલે પૂરું થયું છે. મત ગણતરી શનિવારે થશે, પણ એ પહેલાં મહા વિકાસ આઘાડીમાં CM પદને લઈને હુંસાતુંસી થવા માંડી છે. હજી પરિણામો આવે એ પહેલાં ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ઘરમાં ધમાધમ જેવો ઘાટ છે.
પ્રદેશ કોંગ્રેસાધ્યક્ષ નાના પટોળેએ કહ્યું હતું કે નવી સરકારમાં CM કોંગ્રેસનો હશે, જ્યારે ગઠબંધનના સહયોગી અને શિવસેના UBTના સાંસદ સંજય રાઉતે પટોળેના નિવેદન સામે કહ્યું હતું કે અમે નહીં માનીએ.
નાના પટોળેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં આઘાડીની સરકાર બનશે.રાજ્યમાં કોંગ્રેસના સૌથી વધુ વિધાનસભ્યો ચૂંટાઈ આવશે. તેમના નિવેદનને ફગાવતાં રાઉતે કહ્યું હતું કે જો નાનાને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખરગેએ કહ્યું હોય કે તમે CM બનશો તો એનું એલાન કરવું જોઈએ. પટોળે અને રાઉત વચ્ચે આ પ્રકારની દલીલબાજી પહેલી વારની નથી. આ પહેલાં હરિયાણામાં કોંગ્રેસની હાર પર રાઉતે આકરી પ્રતિક્રિયા આપી હતી. જે પછી પટોળેએ તેમની પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાઉતે કયા આધારે લખ્યું છે એ મને નથી માલૂમ, પણ તમે જાહેરમાં ગઠબંધન પર આ પ્રકારનો આરોપ નથી લગાવી શકતા. રાઉતના નિવેદનથી અમને વાંધો છે, એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં 11માંથી છ એક્ઝિટ પોલમાં ભાજપની ગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. બાકીના ચાર એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ગઠબંધન એટલે કે મહાવિકાસ અઘાડીને બહુમતી મળવાનું કહેવાય છે. એક ત્રિશંકુ વિધાનસભા છે.