છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન: મતદાતાઓએ ભારે ઉત્સાહથી કર્યું મતદાન

રાયપુર- છત્તીસગઢમાં આજે યોજાયેલા બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં વોટિંગને લઈને મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં ચૂંટણી પંચના આંકડા અનુસાર 71.93 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 19 જિલ્લાની 72 બેઠકો પર વોટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજ્યમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ મતદાન માટે 1 લાખથી વધુ પોલીસ દળોને તૈનાત કરી દેવાયા હતાં.

અહીં ભાજપ, કોંગ્રેસ, અને બીએસપી ગઠબંધનના ઘણાં દિગ્ગજોની પ્રતિષ્ઠા દાંવ પર લાગેલી છે. ગત 12 નવેમ્બરે થયેલા પહેલા તબક્કાના મતદાનમાં નક્સલ પ્રભાવીત 8 જિલ્લાઓની કુલ 18 સીટો પર મતદાન થયું હતું.

આજે થઈ રહેલા બીજા તબક્કાના મતદાનમાં EVM મશીનોમાં સામે આવી રહેલી ખામીઓના કારણે મતદાન પ્રક્રિયા ધીમી થઇ ગઇ હતી. ત્યારે પંડરિયા વિધાનસભાના ખેરવારમાં ભાજપના સિંબોલ પર વોટ પડવાને લઇ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી કમિશનમાં તેની ફરિયાદ કરી અને ભાજપ પર EVM ટેંપરિંગનો આરોપ લગાવ્યો છે. આ અંગે છત્તીસગઢ PCC ચીફ ભૂપેશ બધેલે કહ્યું કે EVM મશીન ત્યાં જ ખરાબ થઇ રહ્યું છે જ્યાં કોંગ્રેસની સ્થિતી મજબૂત છે.

છત્તીસગઢની હાઈપ્રોફાઈલ બેઠક રાયપુર દક્ષિણ પર ભાજપના કદ્દાવર નેતા બૃજમોહન અગ્રવાલ અને કોંગ્રેસના કન્હૈયાલાલ અગ્રવાલ વચ્ચે મુકાબલો છે. બૃજમોહન અગ્રવાલ 1990થી અત્યાર સુધી રાયપુર દક્ષિણ બેઠક પરથી હાર્યા નથી. આ બેઠક પર સૌથી વધુ 46 ઉમેદવારો મેદાનમાં છે. જેમાના 23 ઉમેદવારો મુસ્લિમ છે.

બિલાપુરની હાઈપ્રોફાઈલ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. બિલાસપુરથી ભાજપના અમર અગ્રવાલ ચાર વખત જીત્યા છે. રમણસિંહની સરકારમાં પ્રધાન રહેલા ભાજપના અમર અગ્રવાલ સામે કોંગ્રેસે શિક્ષાવિદ્દ શૈલેષ પાંડેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

તમને જણાવી દઇએ કે ગરિયાબંધના પરેવા પાલી મતદાન કેન્દ્રમાં ગ્રામીણોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ ગામમાં મૂળભૂત સુવિધાઓ ન હોવાથી અહીંના ગ્રામીણ લોકો ઘણા રોષે ભરાયા છે. અધિકારીઓએ જ્યારે ગ્રામીણ લોકો સાથે વાત કરવાની માંગ કરી તો તેમે નકારી કાઢી હતી. પેંડ્રાના એક પોલિંગ બૂથમાં છત્તીસગઢ જનતા કોંગ્રેસના પ્રમુખ અજીત જોગી તેમના પુત્ર અમિત જોગી સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

બિલ્હા બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ ધરમલાલ કૌશિક, જોગી કોંગ્રેસના સિયારામ કૌશીક અને કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર શુક્લ મેદાનમા છે. રાજેન્દ્ર શુક્લ અને સિયારામ એકબીજાના વોટ કાપશે. તો તેનો ફાયદો ભાજપના ઉમેદવાર વાર ધરમલાલ કૌશિકને થાય તેવી રાજકીય ગણતરી છે. બિલ્હા બેઠક પર રાજેન્દ્ર શુક્લાને અંબાલિકા સાહૂના બળવાનો સામનો કરવો પડશે. એટલે કે અંબાલિકા સાહૂ કોંગ્રેસના વોટ તોડે તેવી શક્યતા છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]