દિલ્હી સચિવાલયમાં મુખ્ય પ્રધાન કેજરીવાલ પર મરચાની ભૂકી ફેંકી; શકમંદની ધરપકડ

નવી દિલ્હી – દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર આજે અહીં સચિવાલય ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. મધ્યમ વયના એક માણસે કેજરીવાલ ઉપર મરચાની ભૂકી છાંટી હતી.

તે માણસ સચિવલાયમાં મુખ્ય પ્રધાનના કાર્યાયલની બહાર રાહ જોઈને ઊભો હતો અને કેજરીવાલ જેવા એમની ઓફિસમાંથી બહાર નીકળ્યા કે એમની પર હુમલો કર્યો હતો.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આ જાણકારી આપી હતી.

ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલે ચશ્મા પહેર્યા હતા એટલે એમની આંખને માઠી અસર પડી નહોતી. જોકે ધક્કામુક્કીમાં કેજરીવાલના ચશ્મા તૂટી ગયા હતા, એવું બનાવ નજરે જોનાર એક જણે કહ્યું હતું.

શકમંદને અનિલ કુમાર શર્મા તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. એને પોલીસ જવાનોએ પકડી લીધો હતો.

આમ આદમી પાર્ટીએ આ ઘટનાને વખોડી કાઢ્યો છે અને આને મુખ્ય પ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં છેદ તરીકે ઓળખાવી છે. એણે સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ માટે દિલ્હી પોલીસને જવાબદાર લેખાવી છે.

મુખ્ય પ્રધાનની ઓફિસ સુધી પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિએ બે-સ્તરીય સુરક્ષા તપાસમાંથી પસાર થવું જોઈએ, એવી પાર્ટીએ માગણી કરી છે.

પાર્ટીએ એમ પણ કહ્યું છે કે દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે સ્વયં મુખ્ય પ્રધાન પણ સુરક્ષિત નથી.

પક્ષના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે હુમલો કરાયો હતો ત્યારે હું કેજરીવાલની પાછળ જ હતો. કેજરીવાલના ચશ્મા જમીન પર પડી ગયા હતા અને તૂટી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થામાં આ પ્રકારની ક્ષતિ જરાય સ્વીકાર્ય નથી.