નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિમાં કથિત કૌભાંડથી જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં આરોપી દિલ્હીના CM અરવિંદ કેજરીવલાની CBI ધરપકડ કરી ચૂકી છે. હવે આ મામલે CM કેજરીવાલે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. તેમણે CBI તરફથી કરવામાં આવેલી ધરપકડ અને રિમાન્ડને પડકાર ફેંક્યો છે. દિલ્હીના CM હાલ ન્યાયિત હિરાસતમાં છે.
CBIએ CMની 26 જૂને ધરપકડ કરી હતી અને ત્યાર બાદ કોર્ટે તેમને ત્રણ દિવસ માટે CBI રિમાન્ડ પર મોકલી દીધા હતા. એને CM કેજરીવાલે કોર્ટમાં પડકાર ફેંક્યો છે. 29 જૂને CBIના રિમાન્ડ પૂરા થયા પછી તેમને કોર્ટે 14 દિવસો માટે 12 જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. CBIએ રિમાન્ડ અરજીમાં કહ્યું હતું કે હિરાસતમાં પૂછપરછ દરમ્યાન કેજરીવાલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા ને જાણીબૂજી તેઓ ગોળ-ગોળ જવાબ આપ્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સી EDએ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને 10 મેએ સુપ્રીમ કોર્ટે 21 દિવસોના વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે બીજી જૂને તિહાડ જેલમાં સરન્ડર કર્યું હતું.EDના કેસમાં CM કેજરીવાલને નીચલી કોર્ટથી 20 જૂને જામીન મળ્યા હતા, જેના પર દિલ્હી હાઇકોર્ટે 25 જૂને સ્ટે મૂક્યો હતો. CMએ EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત છે.
લાંચ લેવાનો આરોપ
CM કેજરીવાલ અને અન્ય આપ નેતાઓ પર આરોપ છે કે તેમણે લિકર નીતિ બનાવવામાં વેપારીઓ અને નેતાઓના એક ગ્રુપ પાસેથી રૂ. 100 કરોડની લાંચ લીધી છે.