નવી દિલ્હીઃ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત અનેક બાજુએથી વ્યક્ત કરાયેલી ચિંતા બાદ કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી પૂરી પાડવાના મુદ્દે સ્પષ્ટતા કરી છે.
ડો. હર્ષવર્ધને કહ્યું છે કે નવી નીતિ અનુસાર, 1-મેથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરાયા બાદ પણ, કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 50 ટકા રસી મફતમાં પૂરી પાડશે. બાકીનો 50 ટકા હિસ્સો કોર્પોરેટ ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લો રાખશે. રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો તથા સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ બાકીની 50 ટકા રસી ખુલ્લા બજારમાંથી ખરીદવાની છૂટ રહેશે. એ હકીકત છે કે આરોગ્યનો વિષય રાજ્યોને લગતો છે, પરંતુ જ્યાં જરૂર જણાશે ત્યાં કેન્દ્ર સરકાર રાજ્યોને મદદરૂપ થવા સંકલન કરશે. કેન્દ્ર સરકારના મફત રૂટ મારફત કે ખાનગી રૂટ મારફત પણ જે લોકોએ રસી મૂકાવી ન હોય, તેવા બાકી રહેલા લોકોને રસી આપવાની જવાબદારી રાજ્યોની રહેશે.