રાજ્યોને કેન્દ્ર તરફથી રૂ. 4,381.88 કરોડની નાણાકીય સહાય

નવી દિલ્હીઃ તાજેતરમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી કુદરતી આફતોનો ભોગ બનેલા છ રાજ્યોને કેન્દ્ર સરકારે રૂ. 4,381.88 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ આ નિર્ણય લીધો છે.

આ છ રાજ્યો છે – પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને સિક્કીમ. આ રાજ્યોમાં અમ્ફન અને નિસર્ગ વાવાઝોડાઓ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોએ ભારે વિનાશ વેર્યો હતો.

આ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) અંતર્ગત કેન્દ્ર તરફથી આ સહાયતા આપવામાં આવી છે. અમ્ફન ચક્રવાતનો ભોગ બનેલા પશ્ચિમ બંગાળને રૂ. 2,707.77 કરોડ અને ઓડિશાને રૂ. 128.23 કરોડ આપવામાં આવ્યા છે. નિસર્ગ વાવાઝોડાનો ભોગ બનેલા મહારાષ્ટ્રને રૂ. 268.59 કરોડ આપવામાં આવ્યા છે. આ વર્ષના ચોમાસાની મોસમમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી બરબાદ થયેલા કર્ણાટકને રૂ. 577.84 કરોડ, મધ્ય પ્રદેશને રૂ. 611.61 કરોડ અને સિક્કીમને રૂ. 87.84 કરોડની સહાયતા કરવામાં આવી છે.