ગુવાહાટીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે ઈશાન ભારતના રાજ્યોને કોરોનાવાઈરસ મહાબીમારી સામે લડવામાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર રૂ. 1,300 કરોડનું નાણાકીય પેકેજ પૂરું પાડશે.
તમામ ઈશાન રાજ્યોના આરોગ્ય પ્રધાનોને ગુવાહાટીમાં મળીને આ રાજ્યોમાં કોરોના સામેના જંગની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ માંડવિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કેન્દ્ર તરફથી આ રૂ.1,300 કરોડનું પેકેજ સ્થાનિક તેમજ જિલ્લા સ્તરની હોસ્પિટલોમાં દવાઓ ખરીદવા, ઓક્સિજન પુરવઠો વધારવા, પથારીઓ વધારવા માટે પૂરું પાડવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ ઈશાન રાજ્યોમાં રસીકરણ ઝુંબેશને ગતિ આપવા માટે પણ કરી શકાશે. કેન્દ્ર સરકાર આ રાજ્યોને રસીનો પર્યાપ્ત પુરવઠો પૂરો પાડવા કટિબદ્ધ છે.
