કોલકાતાઃ કોલકાતાના RG કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરની સાથે દુષ્કર્મ અને હત્યા મામલે ડોક્ટરોનું પ્રદર્શન જારી છે. કેન્દ્ર સરકારે ડોક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. આરોગ્ય મંત્રાલયના પ્રતિનિધિઓએ શનિવારે ડોક્ટરોના સંગઠનની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન ડોક્ટરોએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય મંત્રાલયે એને લઈને સમિતિની રચના કરવાની વાત કહી હતી.
આ સમિતિ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાને લઈને પગલાં સૂચવશે. આ કમિટીમાં અલગ-અલગ પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ આ સમિતિમાં સામેલ હશે. તેઓ સૂચનો કરશે. મંત્રાલયે ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ ડેંગુ, મલેરિયાના વધતા કેસને ધ્યાનમાં રાખતાં કામ પર પરત ફરે.ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની અપીલ પર દેશના ડોક્ટરોએ 24 કલાકની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. એ હડતાળ શનિવારે છ કલાકે શરૂ થઈ હતી અને રવિવારે સવારે છ કલાક સુધી જારી રહેશે. એ સિવાય ઇમર્જન્સી અને જરૂરી સેવાઓ છોડીને દેશની બધી આરોગ્ય સેવાઓ બંધ રહેશે.
મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા માગ કરવામાં આવી છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને તાત્કાલિક પગલાંઓ લેવામાં આવે અને આ ઉપરાંત ડોક્ટર્સની સુરક્ષા માટે યોગ્ય કાયદો બને તેમજ માથાકૂટ, મારામારી તેમજ ગાળાગાળી જેવી ઘટનાઓ હોસ્પિટલમાં પણ અવારનવાર થતી હોય છે. ત્યારે અહીં પણ સલામતી અને સુરક્ષા માટે તમામ યોગ્ય પગલાઓ લેવામાં આવે.