નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે CBSEની 12મા ધોરણની પરીક્ષા 10મા ધોરણની જેમ રદ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એના પર પૂરતો વિચારવિમર્શ કર્યા બાદ નિર્ણય લીધો હતો. કેન્દ્રના આ નિર્ણયથી આશરે 14 લાખ વિદ્યાર્થીઓને રાહત મળી છે. 12મા ધોરણની CBSE પરીક્ષાઓ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. આવી તણાવપૂર્ણ સ્થિતિમાં વિદ્રાર્થીઓને પરીક્ષા આપવા માટે દબાણ ન કરવું જોઈએ. બધા સ્ટેકહોલ્ડરોએ વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલતા બતાવવાની જરૂર છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
આ સાથે 10મા ધોરણનાં પરિણામો ઓબ્જેક્ટિવ કમાપદંડને આધારે આપવામાં આવશે. જોકે 12મા ધોરણના વિદ્યાર્થીઓનાં પરિણામો તૈયાર કરવાના ત્રણ વિકલ્પો હશે. અહેવાલ મુજબ CBSEના વિદ્યાર્થીઓ માટે ત્રણ પોઇન્ટની યોજના તૈયાર કરવામાં આવી છે. સ્કૂલો દ્વારા લેવામાં આવતી ઇન્ટરનલ પરીક્ષાઓના માર્કની સરેરાશને આધારે માર્ક આપવામાં આવશે. જોકે કોરાનાની પરિસ્થિતિમાં સુધારો થશે તો પછીથી જો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હશે તેઓ પરીક્ષા આપી શકશે.
જોકે પરીક્ષાનું આયોજન ત્રણ-ચાર મહિના પછી થવાની સંભાવના છે. આ પરીક્ષા MCQ માં હશે અને નિબંધ પ્રકારના સવાલો હશે. આ પરીક્ષાનો સમય 90 મિનિટ એટલે કે દોઢ કલાકનો રહેશે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓનું આરોગ્ય અને સલામતીનું ખૂબ મહત્ત્વ છે અને આ મુદ્દે કોઈ સમાધાન નહીં કરવામાં આવે.