ખેડૂતોની ટ્રેક્ટર-રેલીનો નિર્ણય દિલ્હી પોલીસ લેઃ SC

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં 50થી પણ વધારે દિવસોથી દિલ્હીના સીમાડે આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે વાર્ષિક પ્રજાસત્તાક દિવસ પરેડ કાર્યક્રમનું સમાપન થઈ ગયા બાદ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગોમાંથી કિસાન પરેડ અને ટ્રેક્ટર રેલી કાઢવાનું નક્કી કર્યું છે. એમને તેમ કરતા સુપ્રીમ કોર્ટ રોકે એ માટે દિલ્હી પોલીસે નોંધાવેલી પીટિશન પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી અને કહ્યું કે રાષ્ટ્રીય પાટનગર શહેરમાં પ્રવેશનો પ્રશ્ન એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો છે તેથી શહેરમાં કોણે પ્રવેશ કરવો અને કોણે નહીં એ નિર્ણય દિલ્હી પોલીસે લેવાનો છે. કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે ટ્રેક્ટર રેલીને ગેરકાયદેસર ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે આખરી નિર્ણય અમે આવતીકાલે લઈશું.

બીજી બાજુ, ખેડૂત આગેવાન પરમજીતસિંહે કહ્યું છે કે શાંતિપૂર્ણ ટ્રેક્ટર રેલી કાઢવી એ અમારો બંધારણીય અધિકાર છે. 26 જાન્યુઆરીએ કિસાન પરેડમાં હજારો લોકો જોડાશે. અમે એ દિવસે રાજપથ અને ઉચ્ચ-સુરક્ષાવાળા વિસ્તારોમાં રેલી નહીં કાઢીએ, પણ દિલ્હીમાં આઉટર રિંગ રોડ પર રેલી કાઢીશું.