BSFએ પાક સરહદે ત્રણ ડ્રોન તોડી પાડ્યા, 10 કિલોગ્રામ હેરોઇન જપ્ત

ચંડીગઢઃ પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદની પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ એક ડ્રોન તોડી પાડ્યું હતું, જ્યારે અન્ય બે પર ગોળીઓ વરસાવી હતી, જેનો ઉપયોગ સંભવતઃ હેરોઇનની તસ્કરી માટે થઈ રહ્યો હતો, એમ BSFના એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. આ ઘટનાઓમાં આશરે 10 કિલોગ્રામ હેરોઇન, એક પિસ્તોલ, એકે મેગઝિન અને આઠ રાઉન્ડ ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી.

એક અન્ય મામલામાં BSFના જવાનોએ ફાજિલ્કા જિલ્લામાં સીમા બાડની પાર હેરોઇનનું પેકેટ ફેંકનારા બદમાશો પર ગોળીઓ વરસાવી હતી. BSFના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમૃતસરના રાજાતાલ ગામમાં સોમવારે રાત્રે આશરે સાડા આઠ કલાકે પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ માલૂમ પડી હતી અને BSFના જવાનોએ એના પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ મંગળવારે એ વિસ્તારની શોધખોળ દરમ્યાન એક કાળા રંગનું ડ્રોન (એક ડીજેઆઇ મેટ્રિસ ક્વાડકોપ્ટર) જપ્ત કરવામાં આવ્યું હતું.

BSFના પ્રવક્તાએ કહ્યું હતું કે ડ્રોનથી જોડાયેલી એક બેગની અંદર પીળા રંગની ટેપમાં વીંટળાયેલું હેરોઇનનું એક પેકેટ મળ્યું હતું, જેમાં 2.6 કિલોગ્રામ માદક પદાર્થ હતો. અમૃતસરના બચીવિંડમાં BSF સોમવારે રા6 પાકિસ્તાનની તરફથી ગામમાં ઘૂસી રહેલા એક અન્ય ડ્રોનને તોડી પાડ્યું હતું. BSFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્રોનની તપાસ દરમ્યાન એક પોલિસ્ટર બેગમાંથી ત્રણ પેકેટમાં છુપાવી રાખવામાં આવેલા ત્રણ કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.