‘બેફામ’ના સર્જનને સમય ભૂંસી શક્યો નથીઃ રવીન્દ્ર પારેખ

કફન, જનાઝો, કબર, જિંદગી, મોત, વગેરે શબ્દો સાથે કોઈની ગઝલ યાદ આવે તો એમાં પહેલું નામ કવિ બરકત વિરાણી ઉર્ફે ‘બેફામ’નું હોય.

****

બેફામ કાં રડે છે મારા મોત પર એ સૌ આજે,

જેમણે જિંદગીભર રડાવ્યો છે મને…

****

કેટલુંય થાકી જવું પડ્યું બેફામ,

નહીંતર માર્ગ જીવનનો હતો માત્ર ઘરથી કબર સુધી…


આવા તો કેટલાંય શેર ટાંકી-ટાંકીને ‘બેફામ’ની વાતો સાંભળવાનો આ અવસર ગયા શનિવારે કાંદિવલીમાં યોજાયો હતો. ‘બેફામ’ના શતાબ્દિ વર્ષ નિમિત્તે કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા તા.૨૫ માર્ચની સાંજે ‘કવિ બરકત વિરાણી – બેફામ શતાબ્દી વંદના’નું આયોજન કરાયું હતું. સાહિત્ય, સંગીત, કળા, સંસ્કૃતિ, જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત સંવિત્તિનો આ સળંગ ૮૦મો કાર્યક્રમ હતો.

આ પ્રસંગે જાણીતા કવિ અને વિવેચક રવીન્દ્ર પારેખે મુખ્ય વક્તા તરીકે બેફામના જીવન અને સર્જન વિશે રસપ્રદ વાતો સંભળાવી હતી. જેને ભાવકો-ચાહકોએ દાદ આપીને સતત ઝીલી હતી.

રવીન્દ્ર પારેખ

સુરતથી ખાસ આ અવસર માટે આવેલા રવીન્દ્ર પારેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું, બેફામે કિસ્મત કુરેશી નામના એ સમયના ખ્યાતનામ શાયર પાસેથી તાલીમ લીધી હતી. તેમને ‘બેફામ’ ઉપનામ પણ કુરેશી સાહેબે આપ્યું હતું. બેફામે પોતાની પહેલી ગઝલ ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ લખી હતી. બેફામના સમયકાળને યાદ કરીને પારેખે કહ્યું હતું કે બેફામને જીવનમાં ખોટા અને ખરાબ માણસો વધુ મળ્યા હતા અને સારા માણસો ઓછાં મળ્યા હતા એનું દર્દ તેમના સર્જનમાં વ્યક્ત થતું રહ્યું હતું. બરકત વિરાણ ઉર્ફે બેફામે ગઝલને ગુજરાતી ભાષામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ સમયે ગઝલો બોલચાલની ભાષામાં કહેવાતી હોવાથી લોકપ્રિય બહુ થઈ હતી. અલબત્ત, એ સમયે આ કામ શૂન્ય પાલનપુરી, મરીઝ, વગેરે જેવા શાયરોએ પણ મોટેપાયે કર્યું હતું. બરકત ભાઈએ રેડિયો સ્ટેશન પર લાંબો સમય કામ કર્યુ હતું, તેમના બુલંદ અવાજને કારણે તેમને રેડિયો પર કામ કરવાનો અવસર મળ્યો હતો. અગાઉ તેમણે ‘વતન’ દૈનિકમાં પણ કામ કર્યુ હતું.

શયદા, કુરેશી અને મરીઝ – એ ત્રિપુટી સાથે બેફામને નિકટતા અને દોસ્તી થઈ હતી. બેફામ નામ સાથે બરકતભાઈએ જીવનભર મરણની ભરપુર વાતો કરી હતી, જે આજે પણ લોકોને સ્પર્શૈ છે. બેફામની વાત મન સુધી જ નહી, બલકે મનન સુધી પહોંચી છે. બેફામના કેટલાંય સર્જનને સમય ભૂંસી શકયો નથી. રાત દિવસ શ્વાસ લેવાનું રહે છે, નીંદમાંય જીવનનો પ્રવાસ ચાલે છે એમ કહેતા બેફામ પછી એમ પણ ઉમેરે છે કે શ્વાસ લેવાનો પણ થાક લાગે છે, ભલા શ્વાસ પણ કેવો બોજ છે જીવનનો, માણસ રોજ ઉપાડીને મુકે છે અને મુકીને ઉપાડે છે…

કીર્તિભાઈ શાહ

આ પ્રસંગે સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહે આવકારમાં પોતાના કોલેજકાળમાં યોજાયેલા મુશાયરામાં બેફામનો અને ગુજરાતી ગઝલોનો પરિચય કઈ રીતે થયો તેનો રસપ્રદ કિસ્સો કહ્યો હતો. તેમણે આ કાર્યક્રમના આયોજન વિશે અને રવીન્દ્ર પારેખનો પરિચય આપ્યા બાદ એસએનડીટી કોલેજના પ્રાધ્યાપક ડો. કવિત પંડયાએ પોતાની આગવી શૈલીમાં બેફામની માતા વિશેની એક ગઝલ રજૂ કરી હતી. બીજી રચનામાં દર્દ હતું, જેમાં બેફામ કહે છે,  ‘હું મારા શત્રુના હાથે ફેકાઈ ગયેલો માણસ છું, ને હું મારા શત્રુના હાથે ઝડપાઈ ગયેલો માણસ છું…’

ડો. કવિત પંડ્યા

એસએનડીટીના વિધાર્થિની ગોપી શાહે બેફામની અતિ લોકપ્રિય ગઝલ – ‘ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે મારા નથી બન્યા તેનો બનાવ્યો છે મને….’ સ્વકંઠે પ્રસ્તુત કર્યુ હતું.

ગોપી શાહ

સંવિત્તિના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટે પણ બેફામ લિખિત એક સુંદર ગીત ‘નૈન ને નૈન મળે જ્યાં છાના, થાય બંને દિલ દિવાના’, ‘તમને પારકા માનું કે માનું પોતાના’… ગાઈને શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. હાર્દિક ભટ્ટે પોતાના રિસર્ચના આધારે બેફામ વિશે બહુ ઓછાં લોકોને જાણમાં હોય એવી માહિતી આપતા કહ્યું હતું કે બેફામે બે ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો જેના નામ છે – મંગળફેરા (૧૯૪૯) અને ગોરખધંધા (૧૯૪૯).

હાર્દિક ભટ્ટ

ગીતકાર તરીકે તેમણે કુલ સાત ગુજરાતી ફિલ્મોમાં ગીત લખ્યા છે.

આ સાત‌ ફિલ્મો છેઃ

૧) લાખો વણજારો – ૧૯૬૩

૨) અખંડ સૌભાગ્યવતી – ૧૯૬૪

૩) મોટા ઘરની દીકરી (સ્નેહ બંધન નામથી રજૂ થઈ હતી) – ૧૯૬૭

૪) જીગર અને અમી – ૧૯૭૦

૫) રણુજાના રાજા રામદેવ – ૧૯૭૪

૬) ભ્રષ્ટાચાર મુર્દાબાદ – ૧૯૭૭

૭) સદેવંત સાવળીગા – ૧૯૭૭

બરકત બેફામ છે અને બેફામમાં ભરપુર બરકત છે એવા શબ્દો સાથે સંવિતિના સભ્ય જયેશ ચિતલિયાએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો.દિનકર જોશીએ વિશેષ હાજરી આપી હતી.