ઈઝરાયલના સ્નાઈપર્સ પાસેથી તાલીમ મેળવશે ભારતીય BSFના જવાન

નવી દિલ્હી- ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર પાકિસ્તાન ભારતીય BSFના જવાનોને સ્નાઈપિંગ દ્વારા સતત ટાર્ગેટ કરવા પ્રયાસ કરે છે. જેની સાથે BSFને અનેકવાર ટકરાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે. હવે પાકિસ્તાનના સ્નાઈપિંગનો વધુ સક્ષમ રીતે જવાબ આપવા ભારતે તેના કેટલાક કમાન્ડોને ઈઝરાયલી સ્નાઈપર કમાન્ડો સાથે તાલીમ અને પ્રેક્ટિસ કરવાનો નિર્ણય કર્યો છે.BSFના સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગેની એક દરખાસ્ત ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયની લેખિત મંજૂરી મેળવ્યા બાદ BSFની એક નાની ટીમ ઈઝરાયલ જશે. જ્યાં આગામી 6થી 11 જુલાઈ દરમિયાન યોજાનારી સ્નાઈપિંગ સ્પર્ધા અને સેમિનારમાં ભાગ લેશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ યથાવત રીતે ચાલશે તો આગામી સમયમાં BDF કમાન્ડોની બીજી ટુકડીને ઈઝરાયલ મોકલવામાં આવશે અને ઈઝરાયલના ખાસ શૂટર્સ પાસે તેમને તાલીમ અપાશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સ્નાઈપિંગ દ્વારા ભારતના BSFના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ અને  LoC પર ટાર્ગેટ કરે છે. જેના માટે પાકિસ્તાને પોતાના અલગ અલગ DOP પર તાલીમબદ્ધ સ્નાઈપર્સ તહેનાત કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન આર્મી અને પાક. જાસુસી સંસ્થા ISIએ આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર 145થી વધુ સ્નાઈપર્સ તહેનાત કર્યા છે.

પાકિસ્તાન તેના શાર્પ શૂટર્સ દ્વારા સમયાંતરે ભારતીય સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવે છે. મળતી માહિતી મુજબ LoCની પેલી બાજુ PoKમાં પાકિસ્તાન આર્મીએ ભારતના માછીલ, ઉરી, તંગધાર, પૂંછ, બિમ્બર ગલી, રામપુર, કૃષ્ણાઘાટી અને મેંઢર સેક્ટરને ટાર્ગેટ કરવા તેના સ્નાઈપર્સ તહેનાત કર્યા છે.