રસ્તા પર શાકભાજી ફેંકવાની ઘટનાઃ કોઈ રાજકીય વ્યક્તિ રાજકારણ કરી રહ્યો છેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડુતો આકરા પાણીએ છે અને રોડ પર શાકભાજી અને દૂધ ઢોળી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે રસ્તા પર શાકભાજી ખેડુત નથી ફેંકી રહ્યો, પરંતુ કોઈ રાજકીય વ્યક્તિ રાજકારણ કરી રહ્યો છે.

નીતિન પટેલે પોતાના નિવેદનમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલુ આંદોલન રાજકારણથી પ્રેરિત હોવા તરફનો સ્પષ્ટ ઈશારો કર્યો છે. નીતિન પટેલે આ સાથે જ સાબરકાંઠામાં ખેડૂત દ્વારા કરવામાં આવેલી આત્મહત્યા મામલે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ ખેતી નિષ્ફળ જવાના કારણે કોઈ ખેડૂતે આત્મહત્યા નથી કરી પરંતુ કોઈ બીજાના કારણે આ ખેડૂતે આત્મહત્યા કરી છે.

ઉલ્લેખનીય છે કે દેશ સહિત રાજ્યભરમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના યોગ્ય ભાવો ન મળવાના કારણે અને સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ખેડૂતો રોષે ભરાયા છે અને અનેક જગ્યાએ વિરોધ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ખેડુતો દ્વારા રાજયભરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને દૂધ તેમજ શાકભાજી રસ્તા પર ફેંકીને ઉગ્ર રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.