હવે સલામતી સાથે એસટીમાં થશે સવારી, નવી બસો આપશે નવી યોગ્ય સુુવિધા

અમદાવાદઃ ઘણીવાર એવું ધ્યાને આવ્યું છે કે એસટી બસમાં સલામતીનો પ્રશ્ન ઉભો થયો હોય. છેલ્લા ઘણા વર્ષોથી એસટી નિગમ દ્વારા એસટી બસ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓને આપવામાં આવે છે જો કે ખાનગી કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી બસોની ગુણવત્તા પર અનેક વાર પ્રશ્નો ઉભા થયા છે. કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છત્તા પણ મુસાફરો માટે સલામતીની ગેરન્ટી હોતી નથી, ત્યારે એસટી નિગમે હવે આ મામલે નવો નિર્ણય લીધો છે. એસટી નિગમે પોતાના જ વર્કશોપમાં નવી બસો બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. એસટી નિગમ દ્વારા બનાવવામાં આવનારી તમામ બસો મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

નવી બસોમાં બેટરી બૉક્સ, મેઇન વાયરીંગ, રીયર ડેકી, રૂફ સ્ટીક ડિઝાઈન, ગસેટ, વિન્ડો, વિન્ડ સ્ક્રીન ગ્લાસ ફ્રેમ માઉન્ટીંગ, સ્ટ્રક્ચર માઉન્ટીંગ, મેઈન્ટેનસ સર્વિસ કટ આઉટ, ટૂલ બોક્સ, અપર સાઈડ પેનલીંગ, ફ્રન્ટ અને રિયર શો, સીટીંગ એરજમેન્ટ વગેરેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો આ સાથે જ એસટી બસમાં આગ ના લાગે તે માટે કંડક્ટરની બાજુમાં એક અલગ જ બૉક્સ મુકવામાં આવશે. આ સિવાય શૉટ શર્કિટની સમસ્યાને પહોંચી વળવા માટે ચેસિસ સાથે ક્લેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમ દ્વારા નવી બનાવવામાં આવનારી બસો સેન્ટ્રલ મોટર વ્હિકલનાં નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવશે.

આ નવી બસો બનાવવાનો ખર્ચ પણ ઓછો થશે. કૉન્ટ્રાક્ટ કંપની પાસે એક બસ બનાવવાનો ખર્ચ 21 લાખ 30 હજાર થતો હતો, જ્યારે આ નવી બસ 20 લાખ રૂપિયામાં તૈયાર કરાશે. વર્કશૉપમાં 15થી 17 દિવસની અંદર એક બસ તૈયાર થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂન મહિનાનાં અંત સુધીમાં 125 બસ રોડ પર દોડતી કરવામાં આવશે.