ઉનાળાનું વેકેશન પુરુ થશે… ચાલો રમી લઇએ

અમદાવાદઃ બાળકોને રજા પડે એટલે મજા પડે… પણ જેવી ઉનાળાની રજાઓ પૂરી થાય અને નવા સત્રની શરુઆત થવાની હોય એટલે મોટા ભાગના બાળકોને નિસાસા નાંખવાની શરુઆત થઇ જાય છે. અરે કયા સ્કુલ જવાનું આવ્યું. કેટલાક માદરે વતનમાં વેકેશન ગાળવા ગયા હોય, ક્યાંક મામાના ઘરે જઇ ધિંગામસ્તી કરી હોય આ બધી મજા પછી હવે શાળા એ જાવું પડશે એ શિસ્ત સાથેનો ભારે વિચાર આવતાં જ વાતાવરણ ભારે થઇ જાય.

શહેરી-ગ્રામ્ય વિસ્તારના બાળપણની રમતો વચ્ચે મોબાઇલ-ઇન્ટરનેટ યુગ પૂર્વે ખૂબ જ વિરોધાભાસ જોવા મળતો. પણ તમામ જગ્યાએ ટી.વી-મોબાઇલ પ્રવેશી જતાં બાળકો બહારની રમતો રમતાં ઓછા જોવા મળે છે. પણ ક્યાંક હજુય શેરી-મહોલ્લામાં શોર બકોર કરી ઝાડ પર હિંચકા ખાતા બાળકો નજરે પડી જાય છે. હાલ વેકેશન પૂરુ થાય એ પૂર્વે બાળકો પૂરા જોશથી રમતોને માણી રહ્યા છે.

અમદાવાદમાં પણ ટેક્નોલોજીના કલ્ચરમાં બાળકો હીંચકે ઝુલતા દેખાયા. અત્યારના સમયમાં આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે. ત્યારે વેકેશન પૂર્ણ થાય એ પહેલા આ બાળકોએ ખૂબ ધીંગા મસ્તી સાથે રમત રમીને જીવનની આ ક્ષણોને યાદગાર બનાવી.

તસ્વીર અને અહેવાલ- પ્રજ્ઞેશ વ્યાસ