એર ઈન્ડિયા સહિત 15 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

નવી દિલ્હીઃ ઇન્ડિગો, એર ઈન્ડિયા અને અકાસાની 15 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. જેને કારણે ઘણી ફ્લાઈટ્સે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી ઘણાં વિમાનોને આવી જ ધમકીઓ મળી રહી છે. કેન્દ્રએ પણ તેના સ્તરે તપાસ શરૂ કરી છે. પરંતુ આજે ઘણી એરલાઈન્સને મોટા પાયે આવી ધમકી આપવામાં આવી હતી, જેના કારણે હોબાળો મચી ગયો હતો.

ઈન્ડિગોને તેની પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સામે ધમકીઓ મળી છે જેમાં 6E 11, 6E 17, 6E 58, 6E 108 અને 6E 184નો સમાવેશ થાય છે. એરલાઈને કહ્યું છે કે તે તમામ જરૂરી પગલાં લેશે અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ઈન્ડિગોની ફ્લાઈટ 6E 17 મુંબઈથી ઈસ્તંબુલ જઈ રહી હતી. જ્યારે ફ્લાઈટ 6E 184 જોધપુરથી દિલ્હી માટે રવાના થઈ હતી. પરંતુ બંને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં કુલ 70 વિમાનોને આવા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તમામ ધમકીઓ નકલી સાબિત થઈ હતી, પરંતુ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને એરલાઈન્સની સેવાઓને પણ ભારે અસર થઈ હતી. ઘણી ફ્લાઇટ્સના રૂટ પણ અનેક પ્રસંગોએ બદલવા પડ્યા હતા, જેના કારણે ઘણી અસુવિધા થઈ હતી.

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) સહિત તેનાં નિયંત્રણ હેઠળના નિયમોમાં ફેરફાર કરવા મંત્રાલય ગૃહ અને કાયદા મંત્રાલય સહિત અન્ય મુખ્ય વિભાગો સાથે પણ સતત ચર્ચા કરી રહ્યા છે. સરકાર વિવિધ દેશોમાં અપનાવવામાં આવેલી છેતરપિંડી વિરોધી જોગવાઈઓનો પણ અભ્યાસ કરી રહી છે, જેને ભારતમાં નિયમોમાં સામેલ કરી શકાય છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ની માર્ગદર્શિકાનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.