મુંબઈઃ અત્રેની હાઈકોર્ટે જોન્સન એન્ડ જોન્સન કંપનીના બેબી પાવડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આજે આદેશ આપ્યો છે. સાથોસાથ, કોર્ટે કંપનીને આ પ્રોડક્ટનું ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે, પરંતુ તેનું વેચાણ કરવાની ના પાડી છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારના આદેશને પગલે કંપનીને આ પ્રોડક્ટનું વેચાણ કરવાની મનાઈ ફરમાવી છે.
મહારાષ્ટ્ર સરકારે ગઈ 15 સપ્ટેમ્બરે જોન્સન એન્ડ જોન્સનનું બેબી પાવડર બનાવવાનું લાઈસન્સ રદ કર્યું હતું અને 20 સપ્ટેમ્બરે તેને આદેશ આપ્યો હતો કે તેણે આ પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવું. તે બે ઓર્ડર મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના જોઈન્ટ કમિશનર અને લાઈસન્સ સત્તાવાળાઓએ બહાર પાડ્યા હતા. કંપનીએ સરકારના આ બે આદેશને હાઈકોર્ટમાં પડકાર્યા છે. મહારાષ્ટ્ર સરકારના આદેશો કોલકાતામાં સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીના અહેવાલના આધારે હતા. સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીને માલુમ પડ્યું હતું કે જોન્સન બેબી પાવડરમાં pH નું પ્રમાણ નિશ્ચિત માત્રા કરતાં વધારે છે. જેને કારણે ભૂલકાંઓને કેન્સર થવાનો ખતરો રહે છે.
