નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના ડોક્ટરો તથા અન્ય આરોગ્યકર્મીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વિચારવિમર્શ કરતી વખતે જણાવ્યું કે કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરનો વારાણસીના આરોગ્યકર્મીઓ તથા જનતાએ જે રીતે સામનો કર્યો છે એ પ્રશંસનીય છે. કોવિડ-19ને કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના વિશે બોલતાં મોદી ભાવુક થઈ ગયા હતા.
પરંતુ મોદીએ નવી ત્રાટકેલી બીમારી બ્લેક ફંગસ કે મ્યૂકોરમાઈકોસીસ સામે ચેતવણી ઉચ્ચારી હતી. એમણે કહ્યું કે, કોવિડ-19 સામેના આપણા હાલ ચાલી રહેલા જંગમાં બ્લેક ફંગસે એક નવો પડકાર ઊભો કર્યો છે. આપણે આ બીમારીનો સામનો કરવામાં સાવચેતી તેમજ સજ્જતા રાખવા પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે.
