ચાર-રાજ્યોમાં ભાજપની જીત મતોની લૂંટ છેઃ મમતા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું છે કે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની થયેલી જીત ખરો જનાદેશ નથી. એમણે ચૂંટણી વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરીને મતોની લૂંટ ચલાવી હોવાનો ભાજપ પર આરોપ મૂક્યો છે. બેનરજીએ એમ પણ કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ગેરરીતિ કરવામાં આવી છે અને સમાજવાદી પાર્ટીના અખિલેશ સિંહ યાદવે ઈવીએમ મશીનોનું ફોરેન્સિક પરીક્ષણ કરાવવું જોઈએ.

રાજ્ય વિધાનસભામાં વર્ષ 2022-23 માટે પશ્ચિમ બંગાળ રાજ્યનું બજેટ રજૂ કર્યાં બાદ પત્રકાર પરિષદને સંબોધતાં બેનરજીએ કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે તો અમે સમાન વિચારસરણી ધરાવતા પક્ષો સાથે મળીને 2024ની લોકસભા ચૂંટણી લડી શકીએ છીએ. અત્યારના પરિણામો માટે આક્રમક બનવાની જરૂર નથી, સકારાત્મક રહીએ. આ જીત જ ભાજપ માટે એક મોટી ભૂલ બનશે. અખિલેશ યાદવ (સમાજવાદી પાર્ટીના) હારી ગયા એનું કારણ જનાદેશ નહીં, પરંતુ મતોની લૂંટફાટ છે. ભાજપના અમુક નેતાઓએ કહ્યું છે કે ચાર રાજ્યોમાંના ચૂંટણી પરિણામો 2024ની લોકસભા ચૂંટણી માટે જનતાના મૂડનું પ્રતિબિંબ છે, પરંતુ એમનો દાવો ખોટો છે. ભાજપે દિવસે સપનાં જોવાનું બંધ કરી દેવું જોઈએ. ભાજપના હરાવવા માટે તમામ વિરોધ પક્ષોએ એકત્ર થવાની જરૂર છે.