લખનઉઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ચાલી રહેલી ભાજપની જાગૃતતા ઝુંબેશમાં 18 જાન્યુઆરીથી પ્રાદેશિક સ્તર પર રેલીઓનો દોર શરુ થશે. રાજ્યમાં કુલ 6 સ્થાનો પર રેલીઓને સફળ બનાવવા માટે ભાજપે પૂર્ણ તાકાત લગાવી છે. આ રેલીઓમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, શિવરાજ ચૌહાણ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની અને જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહેશે.
પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લાએ જણાવ્યું કે, પહેલી રેલી વારાણસીમાં 18 જાન્યુઆરીના રોજ કાશીમાં યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ પણ જોડાશે. 19 જાન્યુઆરીના રોજ ગોરખપુરની રેલીમાં શિવરાજ સિંહ ચૌહાણ, 20 જાન્યુઆરીના રોજ કાનપુરમાં નિતિન ગડકરી, 21 જાન્યુઆરીના રોજ લખનઉમાં અમિત શાહ, 22 જાન્યુઆરીના રોજ રાજનાથ સિંહ મેરઠ અને 23 જાન્યુઆરીના રોજ આગ્રામાં વ્રજ ક્ષેત્રની રેલીમાં જે.પી.નડ્ડા ઉપસ્થિત રહેશે.
પ્રાદેશિક રેલીને સફળ બનાવવા માટે ભાજપના સંગઠને પોતાની તમામ તાકાતો લગાવી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીઓ સિવાય જે તે રાજ્યના વરિષ્ઠ નેતાઓને પણ કામે લગાડવામાં આવ્યા છે. સ્થાનિક જન પ્રતિનિધિઓ સિવાય જિલ્લાના અધ્યક્ષોને બૂથ સ્તર પર બેઠક કરવાનું કહેવામાં આવ્યું છે.