જમ્મુ-કશ્મીર: વધુ પાંચ નેતાઓ નજરકેદમાંથી મુક્ત

નવી દિલ્હી: જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ નજરકેદ કરેલા નેતાઓને ધીમે ધીમે મુક્ત કરવામાં આવી રહ્યા છે. આ યાદીમાં ગુરુવારે પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. નજરકેદમાંથી આઝાદ થયેલા નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના સલમાન સાગર, શૌકત ગનઈ, અલ્તાફ કલ્લુ, અને પીડીપીના નિઝામુદી ભટ્ટ તેમજ મુખ્તિયાર બાબાનો સમાવેશ થાય છે.

આ અગાઉ 30 ડિસેમ્બરે પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતાં. આ પાંચ નેતાઓ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના જ હતા, જેને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. જોકે, પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને પીડીપી નેતા મેહબૂબા મુફ્તી હજુ પણ નજરકેદમાં છે.

તો આ તરફ એવા પણ સમાચાર છે કે, આર્ટિકલ 370 હટાવાયા બાદ હરિ નિવાસમાં નજરકેદમાં રાખેલા પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને 163 દિવસ પછી શ્રીનગરના ગુપકાર વિસ્તાર સ્થિત તેમના નિવાસ સ્થાને શિફ્ટ કરવામાં આવશે. જોકે, અહીં પણ તેમને નજરકેદ જ રાખવામાં આવશે. આ તમામ નેતાઓ 4 ઓગસ્ટથી નજરકેદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીને પણ તેમના નિવાસ સ્થાન પર શિફ્ટ કરવામાં આવી શકે છે.