પાંચ ત્રાસવાદી પકડાયા; 26 જાન્યુઆરીએ હુમલાનો એમનો પ્લાન હતો

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરની પોલીસે આજે એક મોટી સફળતા હાંસલ કરી છે. એણે પાંચ ત્રાસવાદીઓને પકડ્યા છે અને એ સાથે જ પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સાંકળતા એક ટેરર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

આ પાંચ ત્રાસવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે.

જૈશના ત્રાસવાદીઓ આવતી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે એવી બાતમી મળ્યા બાદ પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પાંચ ત્રાસવાદીના નામ છેઃ એજાઝ એહમદ શેખ (સદરબલ હઝરતબલ), ઉમર હમીદ શેખ (અસાર કોલોની હઝરતબલ), ઈમ્તિયાઝ એહમદ ચિકલા ઉર્ફે ઈમરાન (અસાર કોલોની હઝરતબલ), સાહિલ ફારુક ગોજરી (ઈલાહીબાગ સૌરા) અને નસીર એહમદ મીર (સદરબલ હઝરતબલ).

આ પાંચ ત્રાસવાદીઓએ કબૂલ કર્યું છે કે તેઓ એક ટેરર મોડ્યૂલ સાથે સંકળાયેલા છે. આ જ મોડ્યૂલે અગાઉ બે ગ્રેનેડ હુમલા કર્યા હતા. એક હુમલો હઝરતબલમાં સુરક્ષા દળના જવાનો પર કર્યો હતો.

આ ત્રાસવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. આમાં જિલેટીન રોડ્સ/સ્ટીક્સ, સાઈલન્સર, ડીટોનેટર્સ, વિસ્ફોટકો ભરેલું બોડી વેસ્ટ, રીમોટ ટ્રીગરવાળું વોકી-ટોકી, દેશી હથિયારોનો સમાવેશ થાય છે.

આ ત્રાસવાદીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.