કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ભાજપના કાર્યકર્તાઓ, પોલીસો બાખડ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અત્રેના સત્તાવાર નિવાસસ્થાનની બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસો સાથે બાખડી પડ્યા હતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ વિશે આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે કરેલી ટિપ્પણી સામે ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા. ભાજપના નેતાઓએ એવો આરોપ મૂક્યો હતો કે કેજરીવાલ કશ્મીરી હિન્દુઓની કરાયેલી કત્લેઆમની મજાક ઉડાવી રહ્યા છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ ટ્વિટર પર લખ્યું છે કે દેખાવકારોએ કેજરીવાલના નિવાસસ્થાન ખાતે સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી અવરોધોને તોડી નાખ્યા છે. દેખાવકારો ભાજપના ગૂંડાઓ હતા જેમને દિલ્હી પોલીસે મદદ કરી હતી.

દિલ્હી પોલીસની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, આજે બપોરે લગભગ 1 વાગ્યે દેખાવકારો બે અવરોધ તોડીને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા. ત્યાં તેમણે શોરબકોર કર્યો હતો, નારા લગાવ્યા હતા. એમની પાસે રંગ ભરેલું એક નાનકડું બોક્સ હતું જેમાંનો રંગ તેમણે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનના દરવાજાની બહાર ફેંક્યો હતો. એ ધમાલમાં એક ઝાડુનો તૂટેલો હાથો તથા એક સીસીટીવી કેમેરા મળી આવ્યા હતા. પોલીસે એમ પણ જણાવ્યું છે કે, સવારે 11.30 વાગ્યે ભાજપ યુવા મોરચાના દોઢસોથી બસો જણ ફિલ્મ વિશે કેજરીવાલે કરેલી ટિપ્પણી સામે વિરોધ વ્યક્ત કરવા એમના નિવાસસ્થાનની સામે પહોંચી ગયા હતા. પોલીસોએ એ દેખાવકારોને તરત જ ત્યાંથી હટાવી દીધા હતા. એમાંના કેટલાકને અટકમાં લેવામાં આવ્યા હતા અને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કેજરીવાલે અગાઉ એમ કહ્યું હતું કે, ‘તેઓ (ભાજપ સરકાર) એમ કહે છે કે ‘કશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ-ફ્રી કરો, તો મારું કહેવું છે કે વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મને યૂટ્યૂબ પર જ મૂકી દેવી જોઈએ, બધાને એ ફ્રીમાં જોવા મળશે. ફિલ્મને ટેક્સ-ફ્રી કરવાની જરૂર જ શું છે.’