નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે સંસદમાં રજૂ કરી દીધેલા વર્ષ 2023-24 માટેના સામાન્ય બજેટનો મેગા પ્રચાર કરવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે. આ માટે ચોથી અને પાંચમી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન કેન્દ્રિય પ્રધાનો અને ભાજપના નેતાઓ દેશભરમાં ફરશે અને પ્રત્યેક નાગરિકને બજેટની જોગવાઈઓ સમજાવશે.
કેન્દ્રીય પ્રધાનો બજેટ અંગે પત્રકાર પરિષદોનું આયોજન કરશે અને સાથોસાથ રાજ્યભરમાં જનતા સાથે વાર્તાલાપ કરશે. કાર્યક્રમોમાં નામાંકિત નાગરિકો તથા બૌદ્ધિક વ્યક્તિઓનો પણ સાથ લેવામાં આવશે. માહિતી-પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર જમ્મુ જશે, ટૂરિઝમ પ્રધાન કિશન રેડ્ડી કોચી જશે. રાજીવ ચંદ્રશેખર કોઈમ્બતુર જશે, અર્જુન રામ મેઘવાળ રાયપુર જશે. ગજેન્દ્રસિંહ શેખાવત ભોપાલ જશે, પીયૂષ ગોયલ બેંગલુરુ જશે. અન્ય પ્રધાનોના કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે.
આ વખતનું બજેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ-એનડીએ સરકારનું 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેનું આખરી સંપૂર્ણ સ્તરીય બજેટ છે. નાણાં પ્રધાને કહ્યું છે કે 2023-24માં મૂડી ખર્ચમાં 33 ટકાનો વધારો સૂચવાયો છે જે જીડીપીના 3 ટકા જેટલો હશે.