વીએચપીના વિરોધ બાદ ભાજપપ્રવક્તા ઈલ્મીએ માંફી માગી

નવી દિલ્હીઃ બિલ્કિસ બાનો ગેંગરેપ કેસના 11 અપરાધીઓનું જેલમાંથી છોડી મૂકાયા બાદ સમ્માન કરનારા લોકો વિશ્વ હિન્દુ પરિષદનાં હતા એવી કમેન્ટ કરનાર ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા શાઝિયા ઈલ્મી પર આરએસએસ સંલગ્ન વીએચપી સંગઠન ભડકી ગયા બાદ ઈલ્મીએ માફી માગી છે.

ભાજપનાં ફાયરબ્રાન્ડ નેતા અને પ્રવક્તા ઈલ્મીએ અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં એમની કોલમમાં એમ લખ્યું હતું કે, બિલ્કિસ બાનો બળાત્કાર અને હત્યા કેસના અપરાધીઓનું સમ્માન ભાજપે નહીં, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે કર્યું હતું. અપરાધીઓને જેલમાંથી છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ પ્રધાન અમિત શાહનો હાથ નથી. એ કામ વીએચપીનાં લોકોએ કર્યું હતું એવો આક્ષેપ પણ ઈલ્મીએ લેખમાં કર્યો હતો. આ લેખ બાદ વીએચપીએ વાંધો ઉઠાવ્યો હતો અને ભાજપને લેખિતમાં સ્પષ્ટતા કરવા કહ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવેશકુમાર ચૌધરીએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. એમણે કહ્યું કે ઈલ્મીએ કોલમ દ્વારા વીએચપીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. દિલ્હીમાં બેઠેલાં અમુક લોકો ખોટી માહિતી ફેલાવે છે. બિલ્કિસ બાનો કેસના અપરાધીઓનું સમ્માન કરનારાઓ અમારા કાર્યકર્તા નહોતા. જ્યાં સમ્માન કરવામાં આવ્યુું હતું ત્યાં અમારું કાર્યાલય નથી.

આ વિવાદ બાદ ઈલ્મીએ માફી માગી છે. એમણે કહ્યું છે કે જો ગુનેગારોનું સમ્માન કરનારાઓ વિશ્વ હિન્દુ પરિષદના નહોતા તો હું માફી માગું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]