નવી દિલ્હીઃ ભાજપના પ્રવક્તા રહેલાં નૂપુર શર્માએ પયંગબર પર કરેલી ટિપ્પણી પર ભારતીય મુસલમાનોએ અને 12થી વધુ દેશોએ વાંધો ઉઠાવ્યો છે. જોકે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે અને નૂપુર શર્માએ પણ બિનશરતી માફી માગી લીધી છે. જોકે તેમના નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે હંગામો થયો છે. જે પછી સત્તારૂઢ ભાજપે ટીવી ડિબેટમાં સામેલ થતા પક્ષના પ્રવક્તાઓ અને નેતાઓના સામેલ થવા માટે નવા નિયમો બનાવ્યા છે.
ભાજપના સત્તાવાર પ્રવક્તાઓ અને પેનલિસ્ટો ટીવી ડિબેટમાં ભાગ લેશે અને તેમને જ મિડિયા સેલ સોંપવામાં આવશે. પાર્ટીના પ્રવક્તાઓને કોઈ પણ ધર્મ, એનાં પ્રતીકો અથવા ધાર્મિક વ્યક્તિઓની ટીકા કરવાની સામે ચેતવણી આપવામાં આવી છે. તેમને તેમની ભાષા પર નિયંત્રણ રાખવા અને ઉશ્કેરાવા અથવા ઉત્તેજિત ન થવાના નિર્દેશ આપ્યા છે. પક્ષે પ્રવક્તાઓને ટીવી પર ચર્ચાના વિષયની તપાસ કરવા, તેનું હોમ વર્ક કરવા અને કોઈ પણ ચેનલ પર આવતાં પહેલાં મર્યાદા રાખવા અને પક્ષની ગરિમાનું ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યા છે, એમ પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું.