ચૂંટણી બોન્ડ યોજનાથી ભાજપને સૌથી વધુ મળ્યું ફંડ

 નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આવનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે આ યોજનાને માહિતીના અધિકાર અને બોલવાની અભિવ્યક્તિની આઝાદીના અધિકારના ઉલ્લંઘન માન્યું છે. જોકે ભારતીય રાજકારણમાં મોટા ભાગના ફન્ડિંગના 56 ટકા માત્ર ચૂંટણી બોન્ડથી આવે છે. ગુપચુપ તરીકે પૈસા દાન કરવાની ક્ષમતાએ ચૂંટણી બોન્ડને બહુ લોકપ્રિય બનાવી દીધાં છે.

દેશમાં ચૂંટણી બોન્ડ યોજના શરૂ થયા પછી છ વર્ષોમાં બોન્ડના માધ્યમથી આવેલું ફંડનો અડધાથી વધુ એટલે કે 57 ટકા હિસ્સો ભાજપ પાસે ગયો છે. ચૂંટણી પંચે કરેલી ઘોષણા અનુસાર ભાજપ 2017-2022ની વચ્ચે બોન્ડના માધ્યમથી રૂ. 5271.97 કરોડ પ્રાપ્ત કર્યા છે, જ્યારે કોંગ્રેસે રૂ. 952.29 કરોડની સાથે બીજા સ્થાને રહી છે. જોકે ચૂંટણી પંચને નાણાકીય વર્ષ 2022-23 માટે પાર્ટીઓનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવાનો બાકી છે.સ્ટેટ બેન્કના આંકડા મુજબ વર્ષ 2017-18 અને 2021-22 દરમ્યાન રૂ. 9208.23 કરોડના ચૂંટણી બોન્ડ વેચવામાં આવ્યા હતા. રાજ્ય સ્તરે સમાજવાદી પાર્ટીને વર્ષ 2021-22માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 3.2 કરોડની કમાણી કરી હતી. જોકે વર્ષ 2022-23માં પાર્ટીને બોન્ડથી કોઈ યોગદાન નથી મળ્યું.આ સાથે TDPને વર્ષ 2022-23માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 34 કરોડની કમાણી કરી હતી, જે ગયા નાણાકીય વર્ષથી 10 ગણી વધુ હતી.

વર્ષ 2017માં રિઝર્વ બેન્કે મોદી સરકારને ચૂંટણી બોન્ડને લઈને ચેતવી હતી. બેન્કે આશંકા વ્યક્ત કરી હતી કે શેલ કંપનીઓ મની લોન્ડરિંગ માટે આ બોન્ડનો દુરુપયોગ કરી શકે છે.