કેકેના મૃત્યુની તપાસ કરાવોઃ ભાજપના સંસદસભ્યની લેખિત-માગણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના સંસદસભ્ય સૌમિત્ર ખાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ગાયક કેકેના અચાનક થયેલા મૃત્યુ વિશે તપાસ કરાવે. બાંકુરા મતવિસ્તારના સાંસદ સૌમિત્ર ખાને એવી માગણી કરી છે કે કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે)ના નિપજેલા ઓચિંતા મૃત્યુ વિશે કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવી જોઈએ.

કેકેના મૃત્યુના ખરા કારણનો ઢાંકપીછોડો કરવામાં કોઈક ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાની શંકા ખાને વ્યક્ત કરી છે, કારણ કે કેકેના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ કરાતું હતું એ વખતે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર હતા.

ખાને એમના પત્રમાં છ સવાલ ઉઠાવ્યા છે, કે કેકેના મ્યુઝિક કોન્સર્ટનું જ્યાં આયોજન કરાયું હતું તે નાઝરુલ મંચ ખાતે પ્રેક્ષકોની ક્ષમતા માત્ર અઢી હજારની હતી તે છતાં 7,000 લોકોને ત્યાં કેવી રીતે પ્રવેશવા દેવાયા. વળી, કાર્યક્રમના સ્થળે સ્ટેજ પર એરકન્ડિશનરો પણ કામ કરતા નહોતા. જો એ બગડેલા હતા તો કાર્યક્રમ યોજવાની પરવાનગી શા માટે આપવામાં આવી હતી.