ભાજપના-નેતાની જીભ લપસી; શિવાજી વિશે ઘસાતું બોલ્યા

નવી દિલ્હીઃ ‘છત્રપતિ શિવાજી મહારાજ તો જૂના જમાનાના આદર્શ હતા. વર્તમાન જમાનાના આદર્શ નીતિન ગડકરી છે.’ ગઈ કાલે મરાઠવાડા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આવું નિવેદન કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના નેતા ભગતસિંહ કોશ્યારીએ એક વિવાદ ઊભો કર્યો છે ત્યાં ભાજપના એક પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આને કારણે રાજકીય સ્તરે તેમજ શિવપ્રેમીઓમાં રોષ ઊભો થયો છે અને રાજકીય સ્તરે ઉગ્ર ચર્ચા શરૂ થવાની સંભાવના છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના મહારાષ્ટ્રમાંના નેતા જિતેન્દ્ર આવ્હાડે એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને ભાજપની ટીકા કરે છે તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ નાગપુરમાં સુધાંશુનું પૂતળું બાળ્યું હતું.

ત્રિવેદીએ ‘આજતક’ ન્યૂઝ ચેનલ પરની વાતચીતમાં એમ કહ્યું હતું કે, ‘એ જમાનામાં ઘણા લોકો રાજકીય સંકટથી છૂટકારો મેળવવા માટે રાજીનામાના પત્રો લખતા હતા. છત્રપતિ શિવાજી મહારાજે પણ ઔરંગઝેબને પાંચ પત્ર લખીને માફી માગી હતી.’ સુધાંશુ ત્રિવેદીના આ નિવેદનનો વીડિયો ટ્વિટર પર વાઈરલ થયો છે.