શ્રદ્ધા વાલ્કરની હત્યાનો કેસઃ મુખ્ય ન્યાયાધીશની ચેતવણી

મુંબઈઃ દેશભરમાં વધી રહેલા સાઈબર ગુનાઓ અંગે મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપંકર દત્તાએ ચેતવણી ઉચ્ચારી છે. એમણે વસઈનિવાસી શ્રદ્ધા વાલ્કરની એના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ કરેલી હત્યાના કેસને આધાર ગણીને કહ્યું છે કે આ કેસ ઈન્ટરનેટ પર સામગ્રી સુધી આસાન પહોંચની અવળી બાજુ દર્શાવે છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દત્તાએ ગઈ કાલે પુણેમાં ટેલીકોમ ડિસ્પ્યૂટ સ્ટેટમેન્ટ અપીલેટ ટ્રિબ્યુનલ (TDSAT) દ્વારા આયોજિત એક સેમિનારમાં પોતાના સંબોધનમાં કહ્યું, મુંબઈમાં પ્રેમ થવા વિશે અને દિલ્હીમાં ભયાનક હત્યા થવા (શ્રદ્ધા વાલ્કર) વિશે તમે હમણાં જ અખબારોમાં અહેવાલો વાંચ્યા હશે. આ બધા ગુનાઓ એટલા માટે થઈ રહ્યા છે કે ઈન્ટરનેટ પર સામગ્રી ખૂબ આસાનીથી ઉપલબ્ધ થાય છે. મને ખાતરી છે કે ભારત સરકાર આ બાબતમાં હવે સાચી દિશામાં વિચારશે. તમામ નાગરિકોને ન્યાય મળે એવા આપણા ધ્યેયને જો આપણે હાંસલ કરવો હોય તો આવી તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એક નક્કર કાયદો બનાવવાની જરૂર છે. આજના યુગમાં નવા સાધનોની ખોજ કરવામાં આવે છે. 1989માં આપણી પાસે કોઈ મોબાઈલ ફોન નહોતા. એના બે-ત્રણ વર્ષ પછી પેજર આવ્યા હતા. હવે સ્માર્ટફોન આવી ગયા છે, જેમાં એવું બધું જ હોય છે જેની કોઈ વ્યક્તિ કલ્પના કરી શકે છે. પરંતુ એને કોઈ પણ હેક કરી શકે છે, જેને કારણે આપણી ગોપનીયતા પર હલ્લાસમાન છે.