ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું BJP, મમતા અને રાહુલ અંગે કરી ફરિયાદ

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પાર્ટીઓ પણ તેમની આગામી રણનીતિને લઈને એક્ટિવ થઈ ગઈ છે. આ વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ લઈને પહોંચી હતી. બીજેપીએ ચૂંટણી પંચ સમક્ષ બંગાળને અતિસંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવાની માગ કરી હતી. સાથે જ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત દરમિયાન જાહેર સભામાં કરેલા ભાષણમાં પીએમ મોદી અંગે કરેલી ટિપ્પણીને લઈને પણ ફરિયાદ કરી હતી.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સાથે ભાજપના ઘણા મોટા નેતાઓએ ચૂંટણી પંચની ઓફિસે જઈને ફરિયાદ કરી હતી.

ચૂંટણી પંચની બહાર નિકળતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, બંગાળમાં ચૂંટણી દરમિયાન થતી હિંસાઓને કારણે ઘણા લોકો પ્રભાવિત થયાં છે. બંગાળમાં થઈ રહી હિંસાની આશંકાને જોતા અમે ચૂંટણી પંચ સમક્ષ બંગાળને અતિસંવેદનશીલ વિસ્તાર જાહેર કરવાની માગ કરી છે. તમામ બુથ મથકો પર કેન્દ્રીય પોલીસ દળ તૈનાત કરવાની માગ કરી છે. બંગાળમાં ચૂંટણી દરમિયાન મીડિયા પર પણ પ્રતિબંધ રહે છે, અમે મીડિયાને પ્રવેશ મળે તેવી પણ માગ કરી છે.

રાહુલ ગાંધીના નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અમદાવાદ ખાતેની રેલીમાં પીએમ મોદી અંગે કહ્યું કે, પીએમ મોદીએ રફાલ ડીલમાં દેશના નાણાં અનિલ અંબાણીના ખીસ્સામાં નાખી દીઘા છે. રાહુલના આ નિવેદનની ફરિયાદ બીજેપીએ ચૂંટણી પંચમાં કરી છે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન અંગે જે નિવેદન આપ્યું તે હું બોલી પણ શકું તેમ નથી. અમે આ નિવેદનની ફરિયાદ કરીને આયોગ પાસે સંજ્ઞાન લેવાની અપીલ કરી છે.

રાહુલ ગાંધીએ મંગળવારે અમદાવાદ ખાતેની રેલીમાં કહ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં મોદીએ કહ્યું હતું કે, ચોકીદાર બનાઓ,પીએમ નહીં. આ જુઓ મે ચોકીદાર શબ્દ બોલ્યો અને લોકો ચોર બોલી રહ્યાં છે. દરેક સ્ટેજ પરથી મોદી દેશભક્તિની વાત કરે છે, વાયુસેનાની પ્રશંસા કરે છે પરંતુ તે દેશને એમ નથી જણાવતા કે, વાયુસેનાના ખીસ્સામાંથી 30 હજાર કરોડ ચોરી કરીને પીએમ મોદીએ અનિલ અંબાણીના ખીસ્સામાં કેમ નાખ્યાં.