બાઈક ઉપર ભારતથી લંડન સુધીની ઐતિહાસિક સફર પૂર્ણ કરી બાઈકિંગ ક્વીન્સનું સ્વદેશાગમન

નવી દિલ્હી – બાઈકિંગ ક્વીન્સ – ડો. સારિકા મહેતા અને ઋતાલિ પટેલ ભારતથી લંડન સુધીનો ઐતિહાસિક પ્રવાસ મિશન બાઈક ઉપર 89 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આજે અહીં કેન્દ્રીય ટેક્ષટાઈલ, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીને મળ્યાં હતાં અને ત્યાંથી સુરત જવા રવાના થયાં હતાં. આ બાઈકિંગ ક્વીન્સે તેમના ઐતિહાસિક પ્રવાસમાં 21 દેશોની મુલાકાત લીધી જેમાં તેમણે બાઈક્સ પર 3 મહાદ્વીપોમાં 21000 કિલોમીટર પણ વધારે અંતર કાપ્યું હતું, જેમાં તેમણે – ‘રાઇડ ફોર વીમેન્સ પ્રાઈડ અને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ સંદેશો આપ્યો હતો.

આ બાઈકિંગ ક્વીન્સે ગઈ 5મી જૂને ઉત્તર પ્રદેશથી તેમના વિશ્વપ્રવાસની શરૂઆત કરી હતી અને આ રાઈડને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી હતી. મોસ્કોમાં બાઈકિંગ ક્વીન્સની એક સભ્ય જિનલ શાહની બાઈક અને પાસપોર્ટ, પરમિટ ગુમાઈ જતાં એને ત્યાંથી સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. બાઈકિંગ ક્વીન્સે એક સાથીને દુ:ખ સાથે છોડીને એની સંમતિથી આગળ વધવાનું નક્કી કર્યું હતું.

કુદરતે બાઈકિંગ ક્વીન્સની પરીક્ષા ચાલુ રાખવાનું નક્કી કર્યું હોય એમ, તેઓ એમ્સ્ટરડેમ (નેધરલેન્ડ્સ) હતાં ત્યારે તેઓ જે સ્થળે રોકાયાં હતાં તે હોટેલના પાર્કિંગમાંથી તેમની બંને બાઈક ગૂમ થઈ ગઈ હતી. બાઈકિંગ ક્વીન્સે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ભાડેથી બાઈક લઈને એમનો પ્રવાસ પૂર્ણ કરવા આગળ વધ્યાં હતાં. તેઓએ 15મી ઓગસ્ટના રોજ સ્પેનના બાર્સિલોનામાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને ત્યાંના ભારતીય સમુદાય સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. લંડનમાં તેમની સવારી પૂર્ણ કર્યા બાદ ત્યાંના લંડન એસ કેફેમાં બાઈકિંગ કમ્યુનિટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લંડનમાં ભારતીય હાઈ કમિશનર સાથે તેમની મુલાકાત બાદ સરદાર પટેલ ફાઉન્ડેશન દ્વારા તેમના માટે લંડનમાં એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિટનનાં વિવિધ સંસદસભ્યો, ભારતીય ઉચ્ચ આયોગના પ્રથમ સચિવ અને અન્ય જાણીતા મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ડો. સારિકા મહેતાએ જણાવ્યું કે, “આ ઐતિહાસિક પ્રવાસે અમને અમારા જીવનભરનો યાદગાર અનુભવ આપ્યો છે જે હંમેશા અમારા દિલની નજીક રહેશે. તમામ દેશોમાં ભારતીયો તરફથી મળેલા જબરદસ્ત સમર્થને અમને સમજાવી દીધું કે ગમે તે થાય, આપણે બધા ભારતીયો ભાઈ-બહેન છીએ અને હંમેશાં એકબીજાને મદદ કરીશું અને એકબીજાની પડખે રહીશું. લંડનના એસ કેફે ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવું તે અત્યંત ગૌરવપૂર્ણ હતું, જ્યાં વિશ્વભરના બાઈકર્સ હાજર હતા. ‘મહિલા ગૌરવ’ માટે આ ઐતિહાસિક ઝુંબેશ પર બાઈકિંગ ક્વીન્સને સમર્થન આપ્યું અને પ્રેરિત કર્યા છે તે તમામનો આભાર માનું છે.”

બાઈકિંગ ક્વીન્સનાં આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મેગેઝિન મિડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. એમની આ અનોખી સફરનાં પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી પ્રિન્ટ તેમજ ડિજિટલ ‘ચિત્રલેખા’ આપતું રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]