બાંસવાડા: રાજસ્થાનમાં સોનાની વધુ મોટી ખાણ મળી આવી છે. વૈજ્ઞાનિકોને અહીં સોનાની સાથે તાંબું-કોબાલ્ટ જેવી કીમતી ધાતુઓના વિશાળ ભંડાર હોવાની જાણ થઈ છે. બાંસવાડાના કાંકરિયા સહિતનાં કેટલાંક ગામોના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ખનન માટે તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બાંસવાડાના કાંકરિયા સહિત ચાર ગામોના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં હજારો કિલોગ્રામ શુદ્ધ સોનાના ભંડારનો અંદાજ ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) દ્વારા લગાવવામાં આવ્યો છે. ગોલ્ડ, કોપર-નિકેલ સાથે કોબાલ્ટ ધાતુનો પણ ભંડાર મળ્યો છે. સરકારે સર્વે અને ખોદકામની તૈયારી શરૂ કરી દીધી છે.
મોદી સરકારે ગોલ્ડ માઇનિંગ સર્વે માટે ત્રીજી નવેમ્બરથી અરજીઓ મગાવી છે. સૌથી વધુ બોલી લગાવનાર કંપનીને જવાબદારી મળશે અને તેણે જ ખનન-અન્વેષણ માટે લાઈસન્સ આપવામાં આવશે.
ચાર ગામોમાં થશે સર્વે
કાંકરિયા ગઢા પ્રખંડમાં કાંકરિયા ગઢા, ડુંગરિયા પાડી, દેલવાડા રાવણા અને દેલવાડા લોકિયા ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે. કુલ ત્રણ વર્ગ કિલોમીટરનો આ વિસ્તાર છે. અહીં સોનું-તાંબું તથા અન્ય ધાતુઓનો મોટો ભંડાર મળશે તો દેશ માટે ઉત્કૃષ્ટ સિદ્ધિ ગણાશે. અહીં લગભગ ત્રણ કિલોમીટરના વ્યાસમાં ડીપ ડ્રિલિંગ અને સેમ્પલિંગની તૈયારી છે.
અગાઉ પણ થઈ ચૂક્યો છે સર્વે
GSI દ્વારા 5-6 વર્ષ પહેલાં પણ રાજસ્થાનના આ જ વિસ્તારમાં 12 સ્થળોએ 600-700 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કર્યું હતું. તેમાં 1000 ટન તાંબું, 1.20 ટન સોનું અને થોડોક કોબાલ્ટ-નિકેલ હોઈ શકવાના સંકેતો મળ્યા હતા. સર્વે અને સોનું બહાર કાઢવાની પ્રક્રિયામાં 2-3 વર્ષ લાગી શકે છે.
ઘાટોલમાં પણ સોનાનો ભંડાર
રાજસ્થાનના ઘાટોલના ભૂખિયા-જગપુરા વિસ્તારમાં પણ દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર (11.5 કરોડ ટન) મળ્યો હતો. અહીં લગભગ 14,000 ટન કોબાલ્ટ અને 11,000 ટન નિકલ પણ મળી આવ્યા હતા. ખનનનું કામ રતલામની એક કંપનીને સોંપાયું છે.

બાંસવાડા બનશે ધનલક્ષ્મીનો ખજાનો
ભૂ-વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર અરાવલી પર્વતોની નજીક હોવાને કારણે બાંસવાડાનું ભૂગર્ભીય બંધારણ અંદાજે 5000 વર્ષ જૂનું છે. ભૂગર્ભીય ફેરફારોથી ખનિજ સપાટી નજીક આવી ગયા છે. તેમાં માર્બલ અને સોના – બંને સંભાવના છે.
આદિવાસીઓમાં ભયનું વાતાવરણ
બાંસવાડામાં માહી બંધ, પરમાણુ સયંત્ર અને હવે સોનાની ખાણ મળ્યા પછી આદિવાસીઓમાં ભય છે કે ક્યાંક તેમને અહીંથી હટાવી ન દેવામાં આવે. જે વિસ્તારમાં સોનાના ભંડાર મળ્યા છે, ત્યાં 90 ટકા આદિવાસી વસતિ છે.
 
         
            

