નવી દિલ્હીઃ મોદી સરકારે ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશ માટે અનેક જાહેરાતો કરી છે. નાણાપ્રધાને બંને રાજ્યોમાં કેટલાય પ્રોજેક્ટોની મંજૂરીની માહિતી આપી છે. નાણાપ્રધાને બિહારમાં હાઇવે, એરપોર્ટ નિર્માણ માટે કેન્દ્ર સરકારે રૂ. 26,000 કરોડની ફાળવણી કરી છે.
આ સિવાય બિહારમાં કનેક્ટિવિટીને વધારવા માટે નવા એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખતાં બક્સર-ભાગલપુર રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.બિહારની જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખતાં રાજ્યમાં મેડિકલ કોલેજ તૈયાર કરવામાં આવશે. બિહારમાં રૂ. 21,400 કરોડના પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે.
નાણાપ્રધાને બજેટ ભાષણમાં બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિર અને મહોબોધિ મંદિરમાં કાશી કોરિડોરની જેમ કોરિડોરનું નિર્માર્ણ કરશે. સરકાર પહેલેથી નાલંડામાં યુનિવર્સિટીનું નિર્માણ કરી ચૂકી છે. હવે સરકાર અહી ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. બિહાર અને આસામમાં પૂરથી રાહત માટે રૂ. 11,500 કરોડની ફાળવણી કરી છે.
આંધ્ર પ્રદેશના પુનર્ગઠન માટે રૂ. 15,000 કરોડનું એલાન
નાણાપ્રધાને કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ હેઠળ સરકાર રાજ્યમાં પ્રતિબદ્ધતા પૂરી કરવાના પ્રયાસ કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના પુનર્ગઠન માટે રૂ. 15,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ સાથે રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.