ભારતમાલા પ્રોજેક્ટ: સરહદો સુધી વિસ્તરશે રસ્તાનું માળખું

નવી દિલ્હી- દેશના ચાર મહાનગરોને જોડતી સ્વર્ણિમ ચતુર્ભૂજ પરિયોજના અંતર્ગત હાઈવેનું માળખું તૈયાર કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે દેશની સરહદો અને બંદરગાહોને નેશનલ હાઈવેથી જોડવાની મહત્વાકાંક્ષી યોજના ઉપર મંજૂરીની મોહર મારી દીધી છે. દેશના આર્થિક વૃદ્ધિ દરને વધુ ઝડપી બનાવવા માટે દેશની સરહદો અને દરિયાઈ કાંઠાને જોડવામાં આવશે. સરકારે આ પરિયોજનાને ‘ભારતમાલા’ નામ અપ્યું છે.

આ પરિયોજનાનું કામ સાત તબક્કામાં પુર્ણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશભરમાં કુલ 34,800 કિલોમીટર લંબાઈના હાઈવેનું નિર્માણ કરવામાં આવશે. આ યોજના માટે કુલ 5,35,000 કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. મંગળવારે યોજાયેલી વડાપ્રધાન સાથેની કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. જેની જાણકારી નાણાપ્રધાન અરુણ જેટલીએ આપી હતી.

ધાર્મિક-પર્યટન યાત્રા થશે વધુ સુગમ

ભારતમાલા પ્રોજેક્ટ માટે 2.09 લાખ કરોડ રુપિયા માર્કેટમાંથી, 1.06 લાખ કરોડ રુપિયા ખાનગી રોકાણમાંથી અને 2.19 લાખ કરોડ રુપિયા CRF/TOT અને ટોલટેક્ષના માધ્યમથી ભેગા કરવામાં આવશે. મહત્વનું છે કે, આ યોજના અંતર્ગત નવી યોજનાઓની સાથેસાથે જે અગાઉની પડતર છે તે યોજનાઓને પણ પુરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભારતમાલા યોજના અંતર્ગત દેશના પછાત વિસ્તાર, ધાર્મિક યાત્રાધામની સાથેસાથે પર્યટન ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવશે. ઉત્તર ભારતના ચાર પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેથી આ યોજના પુરી થયા બાદ પ્રવાસીઓ માટે ધાર્મિક અને પર્યટન યાત્રા વધુ સુગમ બની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]