શેરબજારમાં લાભ પાંચમઃ સેન્સેક્સે 33,000ની સપાટી કૂદાવી, નિફટી ઑલ ટાઈમ હાઈ

અમદાવાદ– શેરબજારમાં આજે લાભ પાંચમ થઈ હતી. કેન્દ્ર સરકારે બેંક અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે પેકેજની જાહેરાત કરી હતી, જેને પગલે શેરોના ભાવ અને ઈન્ડેક્સ લાઈફ ટાઈમ હાઈ પર ખુલ્યા હતા. તમામ સેકટરના શેરોમાં તેજીવાળા ખેલાડીઓ અને સ્થાનિક નાણા સંસ્થાઓની નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 435.16(1.33 ટકા) ઉછળી 33,000ની સપાટી કૂદાવી 33,042.50 ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 87.65(0.86 ટકા) ઉછળી 10,295.35 લાઈફ ટાઈમ હાઈ બંધ થયો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 32,607.34ની સામે આજે સવારે 32,995.28ના ઊંચા મથાળે ખુલી શરૂમાં ઉછળી 33,117.33 લાઈફ ટાઈમ હાઈ થઈ ત્યાંથી પાછો પડી 32,804.60 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 33,042.50 બંધ થયો હતો. જે 435.16નો ઉછાળો દર્શાવે છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 10,207.70ની સામે આજે સવારે 10,321.15ના ઊંચા મથાળે ખુલીને શરૂમાં ઉછળી 10,340.55 થઈ અને ત્યાંથી પાછો પડી 10,240.90 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 10,295.35 બંધ રહ્યો હતો. જે 87.65નો ઉછાળો દર્શાવે છે.

મોદી સરકારના બુસ્ટર પ્લાનથી શેરબજારમાં નવા વિશ્વાસનું સર્જન થયું છે. નવા રોકાણોથી ઈકોનોમીને વેગ મળશે, અને જીડીપી ગ્રોથ પણ વધશે. તેવા આશાવાદ પાછળ શેરોની જાતે-જાતમાં નવી લેવાલી આવી હતી. માર્કેટના નિષ્ણાતોના કહેવા પ્રમાણે રિકેપિટલાઈઝેશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને બુસ્ટ મળશે. આજે એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ જનરલ સેન્ટિમેન્ટ તેજીમય જ રહ્યું હતું. આજે પીએસયુ બેંક શેરોમાં જોરદાર લેવાલીથી તેજી આગળ વધી હતી.