‘બેશરમ રંગ’: મુંબઈ પોલીસને લેખિત ફરિયાદ સુપરત

મુંબઈઃ શાહરૂખ ખાન અભિનીત હિન્દી ફિલ્મ પઠાણમાં બેશરમ રંગ શીર્ષકવાળા એક ગીતમાં અભિનેત્રી દીપિકા પદુકોણે કેસરી રંગના પહેરેલા ડ્રેસના સંબંધમાં એફઆઈઆર નોંધવાની માગણી કરતી એક લેખિત ફરિયાદ આજે મુંબઈ પોલીસને સુપરત કરવામાં આવી છે.

આ ફરિયાદ એક સામાજિક કાર્યકર્તાએ સાકીનાકા (અંધેરી પૂર્વ) પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને મુખ્ય કલાકારો સામે કરવામાં આવી છે. તેમની સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગીતથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને હિન્દુ ધર્મનું અપમાન કરવા માટે કેસરી રંગનો ઈરાદાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. ગીત યુવાઓમાં અશ્લીલતાને ઉત્તેજન આપે છે અને તે સમાજમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાનું કારણ પણ બની શકે છે.