બેંગલુરુમાં જળસંકટ ઘેરું બન્યું: પીવાના પાણીનું પણ સંકટ

બેંગલુરુઃ દેશના ત્રીજા સૌથી વધુ વસતિ ધરાવતા શહેર બેંગલુરુમાં જળસંકટને પગલે અહીં રહેતા આશરે 1.4 કરોડ લોકોમાંથી અનેક લોકો વિવિધ વૈકલ્પિક સમાધાન શોધવા માટે મજબૂર છે. જે લોકો બેંગલુરુ છોડી શકે છે, તેઓ એના પર વિચાર કરી રહ્યા છે, જ્યારે જે લોકો ઘર-સંપત્તિ ખરીદવા ઇચ્છે છે, તેઓ મન બદલવા લાગે છે.

આ સિવાય રાજ્યમાં 240 તાલુકાઓમાંથી 223ને દુકાળ પ્રભાવિત જાહેર કરાયા છે, જેમાં 196ને ગંભીર રીતે દુકાળગ્રસ્ત વર્ગીકૃત કરવામાં આવ્યા છે.  સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઓ, કંપનીઓ અને લોકોએ પાણી બચાવવાના ઉપયો પર કામ શરૂ કરી દીધું છે. જોકે અનેક હાઉસિંગ સોસાયટીઓએ સવારે અને સાંજે ચાર કલાક સુધી પાણીનો સપ્લાય બંધ કરી દીધો છે.

બેંગલુરુ વોટર સપ્લાય બોર્ડે પીવાના પાણીના સ્વિમિંગ પૂલના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બોર્ડે કહ્યું છે કે નિયમનું પાલન નહીં કરવા પર રૂ. 5000નો દંડ ફટકારાશે.આ પહેલાં પીવાના પાણીના ઉપયોગનો કાર ધોવા, કપડાં ધોવા અને ઝાડમાં પાણી નાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સોશિયલ મિડિયા પર લોકો રાજ્યના CM સિદ્ધારમૈયાથી IT કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરવાની અરજ કરી રહ્યા છે. કોચિંગ સેન્ટર્સ અને સ્કૂલો બાળકોને સ્કૂલોને બદલે ઘરથી ક્લાસ લેવાની સલાહ આપી છે.કાવેરી નદીનું જળસ્તર અને બેંગલુરુનું ગ્રાઉન્ડ વોટર સતત ઘટી રહ્યાં છે.  જળ નિગમના જણાવ્યા મુજબ શહેરમાં 10,995 બોરવેલ છે, જેમાંથી 3700 સુકાઈ જવાને આરે છે અને 1214 સંપૂર્ણ સુકાઈ ગયા છે. દૈનિક ધોરણે આશરે 20 કરોડ લિટર પાણીની ખેંચ પડી રહી છે.