મુંબઈઃ બીબીસીની વિવાદાસ્પદ સીરિઝ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’નો બીજો (અને આખરી) ભાગ બહાર પડી ગયો છે અને તેની લિન્ક સોશ્યલ મીડિયા પર ફરતી થઈ છે. તૃણમુલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાએ આ લિન્કને એમનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે અને સાથે લખ્યું છેઃ ‘આ રહ્યો બીજો એપિસોડ (બફરિંગવાળી છે)… એમને બીજી લિન્ક મળશે ત્યારે પોસ્ટ કરીશ, આને કાઢી નાખીશ.’
દસ્તાવેજી શ્રેણીના બીજા ભાગમાં 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ચૂંટાઈ આવ્યા બાદ એમની સરકારના ટ્રેક રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. આ દસ્તાવેજીમાં બંધારણની 370મી કલમ અંતર્ગત કશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો દૂર કરવા, મુસ્લિમો માટે અયોગ્ય હોવાનું ઘણા લોકો જે વિશે માને છે તે નાગરિકતાનો કાયદો અને હિન્દુઓ દ્વારા મુસ્લિમો પર હુમલાના તાજેતરના અહેવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીબીસીની દસ્તાવેજી ફિલ્મ-શ્રેણીમાં દાવો કરાયો છે કે 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો માટે તે વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હતા. ફિલ્મમાં ઘણા લોકોના બાઈટ્સ લેવામાં આવ્યા છે.
બીબીસી માહિતીના નામે પ્રચાર કરે છે એવો આરોપ મૂકીને ભારત સરકારે આ દસ્તાવેજીના ભારતમાં પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે છતાં આ શ્રેણીનો બીજો ભાગ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો છે. તૃણમુલ કોંગ્રેસના સંસદસભ્ય ડેરેક ઓબ્રાયને પણ લિન્ક સોશ્યલ મીડિયા પર શેર કરી છે.