બાલાસોરઃ ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાના એક સપ્તાહ બાદ પણ 82 લાશોની ઓળખ હજી સુધી નથી થઈ શકી. આ લાવારિસ મૃતદેહોના અંતિમ સંસ્કાર અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. ઓડિશાના ચીફ સેક્રેટરી પ્રદીપ જૈનનું કહેવું છે કે હજા પણ AIIMS ભુવનેશ્વરમાં આ મૃતદેહોની ઓળખ નથી થઈ શકી. સરકાર આ મૃતદેહોની ઓળખ કરવા માટે દરેક પ્રકારની મદદ કરી રહી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે AIIMS-ભુવનેશ્વર, જ્યાં લાશો રાખી છે ત્યાં અધિકારીઓએ છેલ્લા 48 કલાકમાં એક પણ પરિવારોને લાશ સોંપી નથી. હવે તેમાંથી મોટા ભાગની લાશો સડી ચૂકી છે. AIIMSના અધિકારીઓનું કહેવું છે કે લાશોના DNA પ્રોફાઇલિંગ પૂરી કરી લેવામાં આવી છે. તેમણે 50થી વધારે સંબંધીઓના બ્લડ સેમ્પલ પણ એકઠાં કર્યાં છે. જેને એક-બે દિવસમાં દિલ્હી મોકલવામાં આવશે.
રાજ્ય સરકારનાં સૂત્રોનું કહેવું છે કે DNA રિપોર્ટ આવ્યા બાદ લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાશે. સૂત્રોનું કહેવું છે કે બિહાર અને પશ્વિમ બંગાળના કેટલાક લોકો હજી પણ લાશોનો દાવો કરી રહ્યા છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે હજી પણ 82 મૃતદેહો છે, પરંતુ અમે તેમના સગાં-વહાલાંઓને ઓળખ કરવા માટે તક આપવા માગીએ છીએ. અમે જેટલી રાહ જોઈ શકીશું એટલી રાહ જોઈશું. મેડિકલ સુપરિટેન્ડેન્ટ પ્રભાસ રંજન ત્રિપાઠીએ કહ્યું હતું કે દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત બોડીને સંભાળવી એ પણ એક ચેલેન્જ છે.