અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને હોટમેલ દ્વારા એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં રામ મંદિર પર હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું, “રામ મંદિરની સુરક્ષા સઘન કરો,” અને ધમકી આપનાર વ્યક્તિએ પોતાને તમિલનાડુ ISI સેલનો ઇન્ચાર્જ હોવાનો દાવો કર્યો હતો. ઈમેલમાં એવું પણ જણાવાયું હતું કે તમિલનાડુમાં ચાલી રહેલા કેટલાક કૌભાંડો પરથી ધ્યાન હટાવવા માટે આ હુમલો કરવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે, અને પોલીસ, એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) તેમજ કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.
ધમકીભર્યા ઈમેલની જાણ થતાં જ અયોધ્યા પોલીસે સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધી અને તપાસ આદરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઈમેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ નિષ્ણાતો ઈમેલના સ્ત્રોત અને ધમકીની સત્યતા ચકાસવા માટે કામ કરી રહ્યા છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે, જેમાં CCTV, ડ્રોન કેમેરા અને વધારાના સુરક્ષા જવાનોની તૈનાતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રામ મંદિરની આસપાસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની સુરક્ષા માટે 4 કિલોમીટર લાંબી હાઈટેક સુરક્ષા દિવાલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે, જે 18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ દિવાલ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે અને તેમાં અદ્યતન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે.
આ પહેલીવાર નથી કે રામ મંદિરને ધમકી મળી હોય. સપ્ટેમ્બર 2024માં પણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2024માં પ્રો-ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ‘સિખ્સ ફોર જસ્ટિસ’ નામના પ્રતિબંધિત સંગઠન દ્વારા રામ મંદિર પર હુમલાની ધમકી આપી હતી, જેના કારણે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચોકબંધ કરવામાં આવી હતી. આવી ધમકીઓને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સહિત અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
