આસામમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ: 40 લાખ લોકોની નાગરિકતા ગેરકાયદે જાહેર

આસામ- આસામમાં આજે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો (NRC) અંતિમ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે. NRC દ્વારા જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર રાજ્યના 2 કરોડ 89 લાખ 83 હજાર 677 લોકોને કાયદેસરના નાગરિક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે 40 લાખ લોકોની નાગરિકતા ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, માન્ય નાગરિકતા માટે 3 કરોડ 29 લાખ 91 હજાર 384 લોકોએ અરજી કરી હતી. જેમાંથી 40 લાખ 07 હજાર 707 લોકોને ગેરકાયદે નાગરિક ગણવામાં આવ્યા છે. જેથી કહી શકાય કે, 40 લાખથી વધુ લોકોને બેઘર થવું પડશે. જે લોકોની નાગરિકતા અમાન્ય ગણવામાં આવી છે તેમના માટે જણાવવામાં આવ્યું છે કે, તેમનું પેપરવર્ક પુરું નથી અથવા તેઓ પોતાની નાગરિકતા યોગ્ય રીતે સાબિત કરી શક્યા નથી.

ડ્રાફ્ટ રજૂ કરાયા બાદ NRCના રાજ્ય સમન્વયક અધિકારીએ જણાવ્યું કે, આ ડ્રાફ્ટ અંતિમ યાદી નથી. જે લોકોનો તેમાં સમાવેશ કરવામાં નથી આવ્યો તેઓ પોતાની ફરિયાદ રજૂ કરી શકે છે. NRCને લઈને તૃણમૂલ કોંગ્રેસે સંસદમાં સ્થગન પ્રસ્તાવની માગણી કરી છે. તો RJDએ આ અંગે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.

NCRનો ડ્રાફ્ટ રજૂ કરાયા બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલારુપે CRPFની 220 કંપનીઓ પર તહેનાત કરી દેવામાં આવી છે. જેથી અનિચ્છનિય ઘટનાઓ પર કાબૂ મેળવી શકાય.