નવી દિલ્હીઃ નોએડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળ કરનાર શ્રીકાંત ત્યાગીની પોલીસે છેવટે ધરપકડ કરી છે. ત્યાગીની સાથે પોલીસે ત્રણ લોકોને મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત ગઈ કાલે રાતે સહારનપુર આવ્યો હતો. તે આજે સહારનપુરથી મેરઠ પહોંચ્યો હતો. તે સતત પત્ની અને વકીલથી વાત કરવાના પ્રયાસ કરી રહ્યો હતો. એનાથી જ પોલીસને તેના લોકેશનની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસે મેરઠથી શ્રીકાંતની ધરપકડ કરી હતી.
પોલીસે મંગળવારે તેની પત્નીની ફરીથી અટકાયતમાં લીધી હતી, પણ શ્રીકાંતની ધરપકડ થયા પછી પત્નીને પોલીસે છોડી દીધી હતી. એ પહેલાં ત્યાગીની પત્નીની પોલીસે 24 કલાકતી વધુ પૂછપરછ કરી કરી હતી. એ પહેલાં નોએડા પોલીસે ગેન્ગસ્ટરની કાર્યવાહી કરીને તેના પર રૂ. 25,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું.આરોપીની શોધખોળ માટે પોલીસની 12 ટીમ ત્રણ રાજ્યોમાં તપાસ કરી રહી હતી. સોમવારે તેના ઘરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું.આરોપી પર દબાણ આણવા માટે પોલીસે તેની દુકાનો પર GST ટીમે પણ દરોડા પાડ્યા હતા.
શું છે કેસ?
નોએડાની એક સોસાયટીમાં અતિક્રમણને લઈને એક મહિલાથી શ્રીકાંત ત્યાગીનો વિવાદ થયો હતો. પોતાને ભાજપના નેતા બતાવનાર ત્યાગીએ મહિલાની સાથે ગાળાગાળી કરી હતી અને મારપીટ પર ઊતરી આવ્યો હતો. આરોપીએ ફ્લેટની આસપાસ અતિક્રમણ કરી રાખ્યું હતું. તે સોસાયટીને મેઇનટેનન્સ પણ નહોતો આપતો. ઓથોરિટીની નોટિસ પણ તે અટકાવી દેતો હતો. મહિલા સાથે ગેરવર્તનનો વિડિયો વાઇરલ થયા પછી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેના પર કેસ નોંધ્યો હતો. જે પછી તે ફરાર થયો હતો.
