નવી દિલ્હીઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલમેન એપીજે અબ્દુલ કલામને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત દેશ હંમેશા તેમનો ઋણી રહેશે. એપીજે અબ્દુલ કલામ એક મહાન વિચારક, લેખક અને વૈજ્ઞાનિક હતા. દરેક ક્ષેત્રમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.
અબ્દુલ કલામનું નિધન 27 જુલાઈ 2015 ના રોજ મેઘાલયના શિલોંગમાં થયું હતું. આજે અબ્દુલ કલામની જન્મ જયંતી છે. ત્યારે આવો તેમના વિશેની કેટલીક ખાસ વાતો જાણીએ.
અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબરના રોજ થયો હતો. તેમનો પરિવાર હોડી બનાવવાનું કામ કરતો હતો. કલામના પિતા પોતાની હોડી માછીમારોને ભાડે આપતા હતા. બાળપણથી જ કલાકમ કંઈક બનવાના સપના જોતા હતા. જો કે, તે સમયે પરિવારની સ્થિતિ સારી નહોતી. તેઓ શાળાએથી ઘરે આવ્યા બાદ થોડી વાર સુધી પોતાના ભાઈ સાથે દુકાન પર બેસતા હતા કે જે રામેશ્વરમ રેલવે સ્ટેશન પર હતી. પછી બીજું વિશ્વ યુદ્ધ શરુ થવા પર જ્યારે ટ્રેન રામેશ્વરમ રેલવે સ્ટેશન પર ઉભી રહેતી બંધ થઈ ગઈ હતી ત્યારે સમાચાર પત્રોના બંડલો ચાલતી ટ્રેનથી જ ફેંકી દેવામાં આવતા હતા. તેમના ભાઈ શમ્સુદ્દીનને એક એવા વ્યક્તિની જરુર હતી કે જે, સમાચારપત્રોને ઘરે-ઘરે પહોંચાડવામાં તેમની મદદ કરી શકે. તે સમયે કલામે આ જવાબદારી સંભાળી. તેમણે પોતાના પિતા પાસેથી રામેશ્વરમ બહાર જઈને ભણવાની મંજૂરી આપી ત્યારે તેમના પિતાએ તરત જ મંજૂરી આપી દીધી.
બાદમાં કલામે 1950 માં ઈન્ટરમીડિએટના અભ્યાસ માટે ત્રીચીની સેંટ જોસેફ કોલેજમાં એડમિશન લીધું. બાદમાં તેમણે બીએસસી કર્યું અને પછી અચાનક તેમને લાગ્યું કે, બીએસસી નહોતું કરવા જેવું. તેમનું સ્વપ્ન કંઈક અલગ હતું. તેઓ એન્જિનિયર બનવા ઈચ્છતા હતા. બીએસસી કર્યા બાદ તેમણે નક્કી કર્યું કે, હવે તે કોઈપણ પ્રકારે મદ્રાસ ઈન્સ્ટીટયૂટ ઓફ એન્જિનિયરમાં એડમિશન લઈને જ રહેશે.
કલામનો વિશ્વાસ અને મહેનત જ હતી કે જેના પરિણામે તેમને એડમિશન મળ્યું. તે સમયે એરોનોટિકલ એન્જિનિયરિંગની ફી 1000 રુપિયા હી. ફી ભરવા માટે તેમની મોટી બહેને પોતાના દાગીના ગીરવે મૂક્યા હતા. બાદમાં અભ્યાસ શરુ થયો તો જેમ જેમ સમય વિતવા લાગ્યો તેમ તેમ વિમાનોમાં તેમનો રસ વધવા લાગ્યો. હવે તેમને પાયલટ બનવાનો વિચાર આવ્યો.
હવે તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી લીધો ત્યારે તેમની સામે બે રસ્તા હતા. એક એરફોર્સમાં પાયલટ બનવાનું સ્વપ્ન જોયું હતું તો બીજું રક્ષા મંત્રાલયના વૈજ્ઞાનિક બનવાનું. કલામે પોતાના સ્વપ્નોને પ્રાયોરીટી આપી અને એરફોર્સમાં પાયલટના ઈન્ટર્વ્યુ માટે દક્ષિણ ભારતથી ઉત્તર ભારત રવાના થઈ ગયા. ઈન્ટર્વ્યુમાં કલામ સાહેબે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો પરંતુ જ્યારે ઈન્ટર્વ્યુના પરિણામ આવ્યા તો તેમણે જાણ્યું કે, જીવન હજી વધારે અઘરી પરીક્ષા લેેશે. 8 લોકોની પસંદગી કરવામાં આવી હતી અને કલામ સાહેબનો નંબસ નવમો હતો. તેઓ સમજી ગયા કે સ્થિતિ હજી અઘરી બનશે. કલામ દિલ્હી આવીને એક જગ્યાએ વૈજ્ઞાનિકના પદ પર કામ કરવા લાગ્યા ત્યારે તેમનો પગાર 250 રુપિયા પ્રતિ માસ હતો. અહીંયા તેઓ વિમાન બનાવવાનું કામ કરતા હતા અને પછી ત્રણ વર્ષ બાદ અમેરિકી એરોનોટિકલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનું કેન્દ્ર બેંગ્લોરમાં બનાવવામાં આવ્યું અને તેમને આ કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યા.
બાદમાં તેમને સ્વદેશી હાવરક્રાફ્ટ બનાવવાની જવાબદારી આપવામાં આવી જે ખૂબ અઘરી મનાતી હતી. પરંતુ કલામે આ પણ કરી બતાવ્યું. તેમણે અને તેમના સાથીદારોએ ફર્સ્ટ ટેકઓફ કર્યું. રક્ષામંત્રી કૃષ્ણમેનને કલામના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, હવે આનાથી પણ શક્તિશાળી વિમાન તૈયાર કરો. તેમણે વચન આપ્યું કે, હું આવું પ્લેન બનાવીશ. પ્રથમવાર બનાવ્યો સ્વદેશી ઉપગ્રહ
બાદમાં અબ્દુલ કલામે ઈન્ડિયન કમિટી ફોર સ્પેસ રિસર્ચનું ઈન્ટર્વ્યુ આપ્યું. ત્યાં તેમનું ઈન્ટર્વ્યુ વિક્રમ સારાભાઈએ લીઘું અને તેઓની પસંદગી થઈ. તેમને રોકેટ એન્જિનિયરના પદ પર સિલેક્ટ કરવામાં આવ્યા.
અહીંયાથી કલામના સ્વપ્નને એક નવી ઉંચાઈ મળી. તેમને નાસા મોકલવામાં આવ્યા. નાસામાંથી પરત આવ્યા બાદ તેમને ભારતના પ્રથમ રોકેટને લોન્ચ કરવાની જવાબદારી મળી. તેમણે પણ આ જવાબદારી સરસ રીતે નિભાવી. રોકેટને તૈયાર કરી લીધા બાદ તેના ટેકઓફનો સમય નક્કી કરવામાં આવ્યો પરંતુ ટેકઓફ પહેલા જ તેમાં કોઈ ટેક્નિકલ ક્ષતિ આવી ગઈ. પછી નિષ્ફળતાના વાદળો ઘેરાવા લાગ્યા પરંતુ કલામે આ નિષ્ફળતાના વાદનો વરસવા ન દીધા. ટેક્નિકલ ક્ષતિ ઠીક કરવાનો સમય ન હોવાના કારણે કલામ અને તેમના સહયોગીઓએ રોકેટને પોતાના ખભા પર ઉઠાવીને એવી રીતે સેટ કર્યું કે, જે લીકેજ હતું તે બંધ થઈ ગયું. પછી ભારતના સૌથી પહેલા ઉપગ્રહ નાઈક અપાચીએ ટેકઓફ કર્યું. રોહિણી રોકેટે ટેકઓફ કર્યું અને સ્વદેશી રોકેટના દમ પર ભારતની ઓળખ આખા વિશ્વમાં બની.