ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણિકભાઈનું 95 વર્ષે નિધન

અમદાવાદઃ રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક સ્વ. ધીરુભાઈના મોટા ભાઈ રમણિકભાઈ અંબાણીનું ગઈ કાલે અમદાવાદમાં નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. રમણિકભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપકો સભ્ય હતા. રિલાયન્સની સફળતામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.  અંબાણી પરિવારે ગઈ કાલે તેમના નિધનની જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ઊંઘમાં જ શાંતિથી મૃત્યુ પામ્યા હતા. રમણિકભાઈની પુત્રી ઈલાનાં લગ્ન ગુજરાતનાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલથી થઈ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ડિરેક્ટર

રમણિકભાઈ 90 વર્ષની ઉંમર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતા. તેઓ 2014માં નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થનારાં પહેલાં મહિલા બન્યાં.

 જૂનાગઢમાં જન્મ

1924માં હીરાચંદ અને જમુનાબહેન અંબાણીના ઘરે રમણિકભાઈનો જન્મ થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના બે ભાઈ ધીરુભાઈ અંબાણી અને નટુભાઈ અંબાણી અને તેમનાં બે બહેનો ત્રિલોચન બહેન અને જસુમતી બહેન હતાં.

નરોડામાં વિમલ ટેક્સટાઇલ્સ કંપનીની શરૂઆત

તેમના જીવનનો આદર્શ હતો કે વિનમ્રતા બધા ગુણો જરૂરી છે અને જીવન જીવવા માટે એ બહુ જરૂરી છે તેમણે પોતાના પુત્રના નામે નરોડામાં વિમલ ટેક્સટાઇલ્સ કંપનીની શરૂઆત કરી હતી.

રિલાયન્સનું માર્કેટ કેપ 14.14 લાખ કરોડ

રમણિકભાઈ તેમના ભાઈ ધીરુભાઈને મદદ કરતા હતા.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વમાં સૌથી મૂલ્યવાન બીજા નંબરની એનર્જી કંપની બની હતી, જેણે અમેરિકન ઓઇલ જાયન્ટ એક્સોનમોબિલના માર્કેટ કેપને 24 જુલાઈએ વટાવ્યું હતું. ગયા શુક્રવારે રિલાયન્સનું માર્કેટ કેપ 14.14 લાખ કરોડ રૂપિયા અથવા 189 અબજ ડોલરને પાર થયું હતું. જ્યારે એક્સોનમોબિલનું માર્કેટ કેપ હાલમાં 184 અબજ ડોલરના સ્તરે છે.

રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન

તેમણે દેશના વિકાસની વાર્તામાં એક નાનકડું યોગદાન આપ્યું છે. તેમણે વ્યાવસાયિક જીવન દરમ્યાન રાજ્યના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે GIDC અને GICમાં સેવાઓ આપી છે. તેમણે જૂનાગઢના શિશુ મંગલ ટ્રસ્ટના અધ્યક્ષના પદે પણ કામ કર્યું છે.

રમણિકભાઈનાં પત્ની પદ્માબહેનનું 2001માં નિધન થયું હતું. તેઓ તેમના બાળકો અને પ્રપૌત્રોની સાથે રહેતા હતા.