મહામારીઓ સામે જંગઃ 3 હાઈટેક લેબ્સનું પીએમ દ્વારા લોકાર્પણ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોએડા, મુંબઈ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19ના પરીક્ષણની સુવિધાઓનો શુભારંભ કર્યો હતો. આ કેન્દ્રોમાં એક દિવસમાં 10,000 સેમ્પલ્સની તપાસ થઈ શકશે. આ ત્રણ હાઇટેક લેબ્સના ઉદઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાજર હતા.

આ હાઇટેક લેબ્સમાં માત્ર કોરોના ટેસ્ટિંગ સુધી સીમિત નહીં રહે, પણ ભવિષ્યમાં હેપેટાઇટિસ B  અને C, HIV, ડેન્ગ્યુ સહિત અનેક બીમારીઓના ટેસ્ટિંગ માટેની આ લેબ્સમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વડા પ્રધાને કહ્યું કે ભારત સારી સ્થિતિમાં

આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશના કરોડો નાગરિકો કોરોનાથી બહુ બહાદુરીપૂર્વક લડી રહ્યા છે. આજે જે ટેસ્ટિંગ સુવિધાની શરૂઆત થઈ છે, એમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના કોરોનાની સામેની લડાઈમાં વધુ શક્તિ મળશે. વડા પ્રધાને કહ્યું હતું કે કોરોના વાઇરસને લઈને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાને કારણે ભારત બહુ સારી સ્થિતિમાં છે.

બહુ મોટી સફળતા

તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમ્યાન દરેક જણે એક જ સંકલ્પ લીધો છે કે એકક-એક ભારતીયને બચાવવો છે. આ સંકલ્પે ભારતને સારાં પરિણામો આપ્યાં છે. ખાસ કરીને PPE કિટ, માસ્ક અને ટેસ્ટ કિટ્સને લઈને જે ભારત કર્યું છે, એ બહુ મોટી સફળતા છે.

સામૂહિક પ્રયાસોથી લોકોના જીવન બચ્યાં

તેમણે કહ્યું હતું કે બધાના સામૂહિક પ્રયાસોથી લોકોના જીવન બચ્યાં છે અને જે ચીજવસ્તુઓની આપણે આયાત કરતા હતા. દેશ એની આજે નિકાસ કરી રહ્યો છે. આટલા ઓછા સમયમાં મોટુ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે, જેનાથી તમે બધા પરિચિત છો.

નવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર કરવાનું છે

તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે મળીને નવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર કરવાનું છે, જે અમારી પાસે ગામેગામમાં સરકારી અને ખાનગી દવાખાનાં છે, ક્લિનિક છે. એમને વધુ સુવિધાયુક્ત બનાવવાની છે. આ આપણે એટલા માટે કરવાનું છે, કેમ કે આપણાં ગામડાં લડાઈમાં નબળાં ના પડે.

કેટલાક મહિનાઓમાં તહેવારોની સીઝનને મુદ્દે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આવનારા સમયમાં અનેક તહેવારો આવવાના છે. આપણા આ ઉત્સવ, ઉલ્હાસને કારણ બને, લોકોમાં સંક્રમણ ના ફેલાય, એટલા માટે આપણે સાવધાની રાખવાની છે. આપણે એ જોવાનું છે કે આ ઉત્સવના સમયે ગરીબ પરિવારોને પરેશાની થાય.