હૈદરાબાદઃ ગઈ કાલે સાંજે લગભગ 7 વાગ્યાના સુમારે આંધ્ર પ્રદેશમાં બે પેસેન્જર ટ્રેન અથડાવાથી થયેલા ભીષણ અકસ્માતમાં મરણાંક વધીને 13 થયો છે. અકસ્માતમાં 50 જેટલા લોકો ઘાયલ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના નિકટના સ્વજનને રૂ. બે લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000 વળતર પેટે આપવાની જાહેરાત કરી છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ પ્રત્યેક મૃતકના સ્વજનને રૂ. 10 લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. બે લાખની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે.
વિશાખાપટનમથી પલાસા જતી એક સ્પેશિયલ પેસેન્જર ટ્રેન અલામાન્ડા અને કાંતાકપાલ્લે સ્ટેશનો વચ્ચે ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે પાટા પર ઊભી હતી. એ જ વખતે તેની સાથે પાછળથી વિશાખાપટનમ-રાગડા વચ્ચે દોડતી એક અન્ય પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. એને કારણે વિઝાગ-પલાસા ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા હતા.